મોટો નિર્ણય@દેશ: આજથી જ લેપટોપ, ટેબલેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત પર પ્રતિબંધ

 
Narendra Modi

અટલ સમાચાર, ડેસ્ક

ભારત સરકારે ગુરુવારે એક મોટી જાહેરાત કરતા લેપટોપ, ટેબલેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની નોટિસ જાહેર કરી છે. વાણિજ્ય વિભાગ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં જણાવાયું છે કે પોસ્ટ કે કુરિયર દ્વારા ઈ-કોમર્સ પોર્ટલ પરથી ખરીદાયેલા કમ્પ્યુટર્સ સહીત ઑલ-ઇન-વન પર્સનલ કમ્પ્યુટર્સ અથવા અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર કમ્પ્યુટર્સની આયાત કરાઈ રહી હોય. તેને આયાત પરવાનાની જરૂરિયાતોમાંથી મુક્તિ આપવામાં આવશે.

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે દેશમાં મેક ઇન ઇન્ડિયા અભિયાન ચાલી રહ્યું છે. આ નિર્ણયથી સ્થાનિક ઉત્પાદકો અને એવી વિદેશી કંપનીઓને ફાયદો થશે, જેઓ દેશમાં સતત તેમના એકમોનું ઉત્પાદન કરી રહી છે, સ્થાનિક સ્તરે સપ્લાય કરી રહી છે અને અન્ય દેશોમાં નિકાસ કરી રહી છે.

મે મહિનામાં જીટીઆરઆઈના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ગયા નાણાકીય વર્ષમાં ચીનમાંથી લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટર, ઈન્ટિગ્રેટેડ સર્કિટ અને સોલાર સેલ જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓની આયાત ઘટી છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ વતી એવું કહેવામાં આવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓની આયાતમાં ઘટાડો તે ક્ષેત્રોમાં વધુ જોવા મળ્યો છે જ્યાં PLI સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ સાથે સોલાર સેલની આયાતમાં 70.9 ટકાનો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટર (PC)ની આયાતમાં 23.1 ટકા અને મોબાઈલ ફોનની આયાતમાં 4.1 ટકાનો ઘટાડો થયો છે.

લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટર, મોબાઈલ ફોન જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓની આયાત પર પ્રતિબંધ લગાવ્યા બાદ તેની અસર અર્થવ્યવસ્થા પર પણ જોવા મળશે. દેશની વેપાર ખાધ ઘટશે. આ સાથે યોગ્ય વસ્તુઓ દેશમાં જ બને છે અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સ્થાનિક સપ્લાય ચેઇન સાથે સહકાર વધે તો દેશના અર્થતંત્રને વેગ મળશે. અત્યારે ભારતની સૌથી મોટી વેપાર ખાધ ચીન અને અમેરિકા સાથે છે. જો કે, ભારત સરકારે ચીનને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લગાવ્યો છે.