સાવધાન@દેશ: સાયબર ગુનેગારો KBC ના નામે લોકને રૂપિયાની લાલચ આપીને ફ્રોડ, જાણો કેવી રીતે છેતરપિંડી થાય

કૌન બનેગા કરોડપતિના નામે લોકો સાથે છેતરપિંડી

 
સાવધાન@દેશ: સાયબર ગુનેગારો KBC ના નામે લોકને રૂપિયાની લાલચ આપીને ફ્રોડ, જાણો કેવી રીતે છેતરપિંડી થાય 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કૌન બનેગા કરોડપતિ એક ફેમસ રિયાલિટી ક્વિઝ શો છે. તેમાં જે લોકો ભાગ લે છે, તેમને મોટી રકમ જીતવાનો મોકો મળે છે. બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન આ શોને હોસ્ટ કરે છે. આ શો ભારતની સાથે વિદેશમાં પણ લોકપ્રિય છે અને તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે સાયબર ગુનેગારો. KBC ના નામે લોકને રૂપિયાની લાલચ આપીને ફ્રોડ કરી રહ્યા છે. તેથી લોકોએ આ બાબતને લઈ સાવચેત રહેવું જોઈએ.

લોકોની એક નાની ભૂલથી બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. સ્કેમર્સ વોટ્સએપ પર કોલ કરીને અથવા તો મેસેજ કરીને લોકોને લલચાવે છે. ઘણા લોકો આ બાબતે સજાગ હોય છે તેથી આ પ્રકારના મેસેજને અવગણે છે. પરંતુ ઘણા લોકો તેની જાળમાં ફસાઈને રૂપિયા ગુમાવે છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, દર વર્ષે જ્યારે શો ઓન એર થાય છે ત્યારે KBCના નામે છેતરપિંડીના કેસ સામે આવે છે.

ઠગ લોકો કેબીસી ટીમના સભ્ય હોવાનો ઢોંગ કરીને લોકોને ક્વિઝમાં ભાગ લઈ રોકડ ઈનામ જીતવાનું કહે છે. તેઓ કહે છે કે આ તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્ય દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાં વિજેતા બન્યા છો. લોકો લાલચમાં આવીને તેમના પર વિશ્વાસ કરે છે. આ ઉપરાંત સ્કેમર્સ સરળ સવાલો પૂછીને લોકોને ક્વિઝમાં વિજેતા બનાવે છે.

ત્યારબાદ સાયબર ગુનેગારો જીતેલા ઈનામની રકમ મેળવવા માટે લોકો પાસેથી પ્રોસેસિંગ ફીની માગ કરે છે. તેઓ કહે છે કે ત્યારબાદ જ ક્વિઝમાં જીતેલી રકમ તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ ઉપરાંત તેઓ લોકો પાસેથી ટેક્સ અને અન્ય ચાર્જીસ માટે પણ રૂપિયા માંગે છે.

લોકો તેના વિશ્વાસ કરીને ઈનામની મોટી રકમ મેળવવા માટે પ્રોસેસિંગ ચાર્જ કે અન્ય ચાર્જની રકમની ચૂકવણી કરે છે. રૂપિયા ચૂકવ્યા બાદ જ્યારે ઈનામની રકમ મળતી નથી ત્યારે લોકોને ખબર પડે છે કે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેથી આવા ફોન કોલ કે મેસેજ આવે તો સાવચેત રહેવું જોઈએ.