ગંભીર@પાવીજેતપુર: ટપાલની ડીલીવરીમાં ભ્રષ્ટાચારથી વેપારી ટેન્ડરમાંથી આઉટ, સૌથી મોટો કાંડ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ભ્રષ્ટાચારના તમે ઢગલાબંધ સ્વરૂપ જોયા હશે પરંતુ કોઈ વેપારી પેઢીને સરકારી ટેન્ડર માંથી પોતાની કોઇ ભૂલ વગર આઉટ થવું પડે? પાવી જેતપુર તાલુકા પંચાયતના મનરેગા હેઠળના ટેન્ડરમાં સમયમર્યાદામાં ટપાલ નહિં પહોંચતાં વેપારીને હરિફાઈમાંથી કાઢી દીધા છે. હવે આ જરૂરી કાગળોની ટપાલ સમયસર નહિં પહોંચવા બાબતે એક ટકો પણ વેપારી પેઢીની ભૂલ નથી. પોસ્ટ ઓફિસવાળા કહે છે, અમે ટપાલ આપી પરંતુ તાલુકા પંચાયતે સ્વિકારી નહીં. તાલુકાના ટીડીઓ કહે છે કે, ટપાલી આવ્યા જ નથી. બીજા એક કર્મચારી કહે, ટપાલી આવ્યા હતા પરંતુ ટપાલ આપી નહોતી. કોઈની ઈરાદાપૂર્વકની ભૂલથી ભરેલો ભ્રષ્ટાચારનો સૌથી મોટો ઘટસ્ફોટ જાણીએ.
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકા પંચાયતે મનરેગા હેઠળ મટીરીયલ ખરીદવા ટેન્ડર બહાર પાડ્યું હતુ. આ ટેન્ડર ઓનલાઇન ભરી કેટલાક જરૂરી કાગળો સમયમર્યાદામાં ટપાલ મારફતે કચેરીએ પહોંચાડવાના હતા. જેમાં સ્વર્ણિમ ટ્રેડિંગ નામે એક વેપારીએ ઓનલાઇન ટેન્ડર ભરી જરૂરી કાગળોની ટપાલ ભારત સરકારની પોસ્ટ મારફતે મોકલી હતી. આ ટપાલની પાવતી નંબર અને ડીલીવરી રીપોર્ટ જોતાં ટપાલ સમયમર્યાદામાં તાલુકા પંચાયત પહોંચી બતાવે છે. અહીં સુધી વેપારીને કોઈ સમસ્યા આવી નહિ પરંતુ જ્યારે ટેન્ડરની આખરી પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે આ વેપારીના કાગળો સમયસર નહિં મળ્યા હોઈ અયોગ્ય જાહેર થયા. વાંચો નીચે સૌથી મોટો કાંડ ક્યાં થયો.
સૂત્રોએ જણાવ્યું કે, જ્યારે વેપારીને ખબર પડી કે, કાગળોની ટપાલ સમયસર નથી પહોંચી તો તપાસ કરતાં પોસ્ટ ઓફિસવાળાએ જણાવ્યું કે, પહોંચી છે અને તેની ડીલીવરી થયાનો ઓનલાઇન સ્ટેટ્સ રીપોર્ટ પણ બતાવી દીધો. આ પછી વેપારીએ પાવી જેતપુર તાલુકા પંચાયતમાં તપાસ કરી તો ત્યાંથી જણાવ્યું કે, ટપાલ આવી નથી. આવી ચોંકાવનારી અને અત્યંત શંકાસ્પદ વિગતો જાણી વેપારીએ કાગળ ઉપર તપાસ કરતાં જે ધ્યાને આવ્યું તે, જાણીને પગ તળેથી જમીન સરકી જાય તેવો કાંડ છે. પોસ્ટ ઓફિસની ટપાલો પહોંચતી કરતાં મહિલા કર્મચારીએ જણાવ્યું કે, ટપાલ આપવા ગયા હતા પરંતુ આ ટપાલ સ્વિકારવાની ના પાડી, બીજી કચેરીમાં મોકલવા કહ્યું હતુ. વાત આટલી નથી હવે, નીચેના ફકરામાં વાંચી જાણીને કલ્પના બહાર હચમચી જશો, વાંચો નીચે.
સમગ્ર મામલે પાવી જેતપુર તાલુકા પંચાયતના ટીડીઓ પારસ પટેલે જણાવ્યું કે, પોસ્ટ ઓફિસ વાળા ખોટું બોલે છે. કોઈ બહેન ટપાલ આપવા આવ્યા નથી અને તેમની સિસ્ટમમાં ખોટો રીપોર્ટ બતાવ્યો છે. આ તરફ ટપાલ ડીલીવરી કરતાં બહેને લેખિતમાં જણાવી દીધું કે, તાલુકા પંચાયતના રાઘવાણી નામે કર્મચારીએ આ ટપાલ સ્વિકારવાની ના પાડી હતી. આ દરમ્યાન તાલુકા પંચાયતના રાઘવાણીને પૂછતાં કહ્યું કે, ટપાલ આપવા પોસ્ટ ઓફિસના ટપાલી બહેન આવ્યા હતા પરંતુ આ વિવાદાસ્પદ ટપાલ મને આપી નથી અને બતાવી પણ નથી. બીજી ટપાલ આપી તે અમે સ્વિકારી અને સામે સહી કરી આપી હતી. આટલી વિગતો બાદ કોણ ખોટું બોલે છે અને કોણ પુરાવાનો અથવા બચવા માટેનો રસ્તો પકડી વેપારીને હરિફાઈમાં રોક્યા તેનો ઘટસ્ફોટ કરીશું.