બ્રેકિંગ@દિલ્હી: ચાર્જિંગમાં મૂકેલી ઈ-રિક્ષા બની કાળ:સૂતેલા 4 જીવતા ભૂંજાયા

પહેલા માળે સૂઈ રહેલા લોકોને ભાગવાનો મોકો જ ન મળ્યો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દિલ્હીના શાહદરા જિલ્લાના વિશ્વાસ નગરમાં આજે વહેલી સવારે ભીષણ આગની ઘટના બની છે. ગલી નંબર 11, યુનિટી મોલ પાસે આવેલા એક મકાનમાં આગ લાગતા 4 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.

મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર ઈ-રિક્ષા ચાર્જિંગ પોઈન્ટ બનાવેલો હતો. રાત્રે અનેક ઈ-રિક્ષાઓ ત્યાં ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી. વહેલી સવારે લગભગ 4:15 વાગ્યે ચાર્જિંગ પોઈન્ટમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે આખા મકાનને પોતાની લપેટમાં લઈ લીધું હતું.

તે સમયે મકાનના પહેલા માળે / મેઝેનાઈન ફ્લોર પર 6 લોકો સૂઈ રહ્યા હતા. આગ અને ધુમાડો એટલી ઝડપથી ઉપર ફેલાયા કે તેમને બહાર નીકળવાનો મોકો જ મળ્યો ન હતો.

*ફાયર બ્રિગેડે 6 લોકોને બહાર કાઢ્યા*

ઘટનાની જાણ થતાં જ દિલ્હી ફાયર સર્વિસની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરકર્મીઓએ ભારે જહેમત બાદ સવારે લગભગ 5 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. રેસ્ક્યુ દરમિયાન 6 લોકોને બહાર કાઢી હેડગેવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ 4 લોકોને મૃત જાહેર કર્યા હતા. 2 ઘાયલો લગભગ 10% જેટલા દાઝ્યા છે. તેમની હાલત હાલ સ્થિર હોવાનું જણાવાયું છે.

*પોલીસનું નિવેદન*

શાહદરાના DCP રાજેન્દ્ર પ્રસાદ મીણાએ જણાવ્યું હતું કે, "સવારે 4:20 વાગ્યે ફર્શ બજાર પોલીસ સ્ટેશનમાં આગ અંગેનો કોલ આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચતા આગની ઘટનાની પુષ્ટિ થઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે આગ ઈ-રિક્ષા ચાર્જિંગ પોઈન્ટથી જ શરૂ થઈ હતી. પહેલા માળે સૂઈ રહેલા લોકો તેની ચપેટમાં આવી ગયા હતા."

હાલ પોલીસ અને ફોરેન્સિક ટીમ આગનું સાચું કારણ શોર્ટ સર્કિટ છે કે બેટરી ઓવરહીટ થઈ, તેની તપાસ કરી રહી છે. મકાન માલિક અને ચાર્જિંગ પોઈન્ટના સંચાલક અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.