બ્રેકિંગ@હરિયાણા: રોહતકની હોટલમાં ધડાધડ ગોળીઓ:4 ના મોત, ગેંગવોરની આશંકા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હરિયાણાના રોહતકમાં મોડી રાત્રે ગેંગવોરની મોટી ઘટના બની છે. ખરાવડ ગામ પાસે આવેલી મિલન હોટલમાં જમી રહેલા 4 યુવકો પર 5 હથિયારબંધ શખ્સોએ લગભગ 30 રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ હુમલામાં 4ેય યુવકોના મોત થયા છે.
મૃતકોમાં ડીઘલના રિંકુ (28), વિનીત (22) અને યશ ઉર્ફે ગંજુ (22) તેમજ બેરીના હિમાંશુ (26) નો સમાવેશ થાય છે.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતકોમાંથી 3 યુવકો બાબા ગેંગ સાથે જોડાયેલા હતા. જ્યારે હિમાંશુ કોઈ ગેંગ સાથે જોડાયેલો નહોતો, તે માત્ર જમવા આવ્યો હતો. હુમલાખોરો સન્ની રિટોલિયાને શોધવા આવ્યા હતા અને હિમાંશુને સન્ની સમજીને ગોળી મારી દીધી હોવાનું કહેવાય છે.
આ હુમલો હિમાંશુ ભાઉ ગેંગે કર્યો હોવાનો આરોપ છે. ઘટના બાદ સોશિયલ મીડિયા પર રોહિત બજરંગ અને સોનુ ડીઘલના મર્ડરનો બદલો લેવાની વાત કહીને જવાબદારી લેવામાં આવી છે.
ચોંકાવનારી વાત એ છે કે, આ હોટલ પોલીસ ચોકીથી માત્ર 50 પગલાં દૂર જ છે. તેમ છતાં બદમાશો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા.પોલીસે આરોપીઓને પકડવા માટે 8 ટીમો બનાવી છે.

