બ્રેકિંગ@રાજસ્થાન: એક જ રાત્રે બે ગોઝારા અકસ્માત, 12નાં મોત, 15 લોકો ઇજાગ્રસ્ત

PM મોદીએ મૃતકના પરિવારને 2 લાખની સહાયની કરી જાહેરાત
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજસ્થાનમાં શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ બે અલગ-અલગ ગોઝારા માર્ગ અકસ્માતમાં કુલ 12 લોકોનાં કરુણ મોત નીપજ્યા છે. બંને અકસ્માતમાં દર્શન કરીને પરત ફરી રહેલા યાત્રાળુઓનો ભોગ લેવાયો છે.

*1. જોધપુર: રામદેવરાથી પરત ફરતા બનાસકાંઠાના 3નાં મોત*

પ્રથમ અકસ્માત જોધપુરમાં સર્જાયો હતો. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા BSF કોલોનીના પરિવારના સભ્યો રામદેવરાના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.

દર્શન કરીને પરત ફરતી વખતે જ થોડે દૂર જતાં જ તેમની કાર અને ટ્રાવેલ ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના *3 લોકોનાં મોત* થયા છે, જ્યારે *15થી વધુ લોકો ઈજાગ્રસ્ત* થયા છે.

ઈજાગ્રસ્તોને 4 એમ્બ્યુલન્સ દ્વારા મથુરાદાસ માથુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અનેક લોકોને ફ્રેક્ચર અને સ્પાઈનની ઈજાઓ થઈ હોવાનું હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ વિકાસ રાજપુરોહિતે જણાવ્યું હતું.

ઈજાગ્રસ્ત અનિલે જણાવ્યું હતું કે, "અમે બનાસકાંઠાથી રામદેવરા દર્શન કરવા ગયા હતા. સવારે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે જ અકસ્માત થયો. અમે 15થી 20 લોકો હતા."

*2. કોટા: ડ્રાઈવરને ઝોકું આવતાં 9 જિંદગી ખતમ*

બીજો ભયાનક અકસ્માત કોટા-ઉદયપુર નેશનલ હાઈવે પર શંભુપુરા ગામ નજીક મધ્યરાત્રિએ સર્જાયો હતો.

મહારાષ્ટ્રના ધુલે જિલ્લાનો પરિવાર ખાટુ શ્યામજીના દર્શન કરીને વતન પરત ફરી રહ્યો હતો. ક્રુઝરમાં કુલ 16 લોકો સવાર હતા. અચાનક ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવી ગયું અને સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ક્રુઝર હાઈવેની સાઈડમાં ઊભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ.

ટક્કર એટલી ભયાનક હતી કે ક્રુઝરનો આગળનો ભાગ સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં બાળકો સહિત એક જ પરિવારના *9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત* નીપજ્યા હતા, જ્યારે 6થી 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મૃતકોમાં ઉષા, સુશીલા, કૈલાસ, સજ્જન, અનિતા, બાબુલાલ, જાન્હવી, માધવી સહિત બે બાળકોનો સમાવેશ થાય છે.

*PM મોદીએ શોક વ્યક્ત કર્યો*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોટા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. મૃતકોના પરિવારને PMNRFમાંથી રૂ. 2 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરી છે. 0945

એક જ રાત્રે બે અકસ્માતે ફરી એકવાર લાંબા પ્રવાસમાં ડ્રાઈવરની ઊંઘ અને બેદરકારી કેટલી ભારે પડી શકે છે, તે દર્શાવી દીધું છે.

*🙏 ૐ શાંતિ 🙏*