બ્રેકિંગ@દેશ: CM યોગી આદિત્યનાથે રક્ષાબંધન પર દીકરીઓને આપી મોટી ભેટ,15000 ના બદલે મળશે 25000 રૂપિયા

 કેટલીક છોકરીઓએ સીએમ યોગીને તિલક કરી અને તેમને રાખડી બાંધી હતી.
 
બ્રેકિંગ@દેશ: CM યોગી આદિત્યનાથે રક્ષાબંધન પર દીકરીઓને આપી મોટી ભેટ,15000 ના બદલે મળશે 25000 રૂપિયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રક્ષાબંધન અવસર પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) રાજ્યની દીકરીઓને મોટી ભેટ આપી છે. ‘મુખ્યમંત્રી કન્યા સુમંગલા’ યોજનાના લાભાર્થીઓ સાથેના સંવાદ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે CM યોગી આદિત્યનાથે આ યોજનાના રકમમાં વધારો કરવાની જાહેરાત કરી છે. હવે ‘કન્યા સુમંગલા યોજના’ની રકમ 15,000 થી વધારીને 25,000 રૂપિયા કરવાની યોજના છે.

દીકરીના જન્મ થવાની સાથે જ 5,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે

યોગી આદિત્યનાથે આ કાર્યક્રમમાં કહ્યું કે, યોજના હેઠળ આ પહેલા 6 ચરણમાં 15,000 રૂપિયા આપવામાં આવતા હતા. આવનારા વર્ષથી દીકરીના જન્મ થવાની સાથે જ તેના માતા-પિતાના બેંક ખાતામાં 5,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારબાદ દીકરી એક વર્ષની થશે ત્યારે 2,000 રૂપિયા, દીકરી જ્યારે પહેલા ધોરણમાં આવશે એટલે 3,000 રૂપિયા, દીકરી છઠ્ઠા ધોરણમાં એડમિશન લેશે ત્યારે 3,000 રૂપિયા, દીકરી નવમાં ધોરણમાં આવે તે સમયે 5,000 રૂપિયા અને જો દીકરી કોઈ ગ્રેજ્યુએશન કે ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોર્સ કરે તો તેના ખાતામાં 7,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.

CM યોગી આદિત્યનાથે કહ્યું કે, આજે રાજ્યમાં મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના દ્વારા 16,24,000 દીકરીઓને લાભ મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.કાર્યક્રમમાં સામેલ કન્યા સુમંગલા યોજનાના લાભાર્થી કેટલીક છોકરીઓએ સીએમ યોગીને તિલક કરી અને તેમને રાખડી બાંધી હતી. સીએમ યોગીએ તેમને ભેટ આપી અને તેમની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. આ કાર્યક્રમમાં યોગી આદિત્યનાથે 29,523 લાભાર્થી દીકરીઓના ખાતામાં 5.82 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

આ યોજનાના લાભાર્થી રત્ના મિશ્રાએ કહ્યું કે, તે આ યોજનાથી અભ્યાસ કરી રહી છે અને તેનો આત્મવિશ્વાસ વધ્યો છે. તેણે આગળ કહ્યું કે, તે હવે પોતાના સપના સાકાર કરી શકશે કારણ કે તેની સાથે રાજ્યની દીકરીઓની સંભાળ રાખનારા સીએમ યોગી છે.ધોરણ 10ની વિદ્યાર્થિની અક્ષરા કુશવાહાએ કહ્યું કે, આ યોજનાએ તેના જેવી ગરીબ કન્યાઓના જીવનમાં મોટો બદલાવ લાવ્યો છે. તેના દ્વારા તે અભ્યાસ કરી રહી છે અને અન્ય બાળકો સાથે કદમ મિલાવી રહી છે. આ માટે તેણે મુખ્યમંત્રીનો યોગી આદિત્યનાથનો આભાર માન્યો હતો.