બ્રેકિંગ@દેશ: જીવતા જીવ અંતિમ સંસ્કારનું પ્રી-બુકિંગ:3. ₹6000 થી ₹1.5 લાખમાં અંતિમ યાત્રા બુક કરો!

કાંધ આપવા 4 લોકો પણ હવે ભાડે મળશે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લગ્નનું પ્રી-બુકિંગ તો તમે સાંભળ્યું હશે, ફ્લાઈટ અને હોટલનું પ્રી-બુકિંગ પણ સાંભળ્યું હશે. પણ હવે જીવતા જીવ પોતાના અંતિમ સંસ્કારનું પણ પ્રી-બુકિંગ થઈ શકે છે. દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર (IITF) માં *મોક્ષ વોયેજ* નામના સ્ટોલે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

*શું છે આ સર્વિસ?*

આ સર્વિસ *નમો ગંગા વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ* દ્વારા શરૂ કરવામાં આવી છે. તેનું કહેવું છે કે, પ્રિયજનના મૃત્યુ સમયે પરિવારને અંતિમ સંસ્કારની ભાગદોડ ન કરવી પડે, એ માટે આ આખી વ્યવસ્થા અગાઉથી જ બુક કરી શકાય છે.

વ્યક્તિ પોતાના બજેટ અને જરૂરિયાત મુજબ પેકેજ પસંદ કરી શકે છે. જીવતા જીવ પણ પોતાની અંતિમ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.

*પેકેજમાં શું-શું મળશે?*

કંપનીના પેકેજની શરૂઆત *₹6,000 થી* થાય છે, જ્યારે સૌથી મોંઘા પેકેજની કિંમત *₹1.5 લાખ સુધી* છે.

*પેકેજમાં આ સેવાઓનો સમાવેશ થાય છે :*

*1.* અંતિમ યાત્રા માટે વાહનની વ્યવસ્થા

*2.* પાર્થિવ દેહને કાંધ આપવા માટે 4 વ્યક્તિઓની વ્યવસ્થા

*3.* પંડિત અને અંતિમ વિધિ માટેની તમામ સામગ્રી

*4.* અંતિમ સંસ્કારનું આયોજન

*5.* અસ્થિ વિસર્જન અને શ્રાદ્ધ કર્મ સુધીની સેવા

કંપનીનો દાવો છે કે, દેશ-વિદેશમાં ગમે ત્યાં મૃત્યુ થાય તો પણ પાર્થિવ દેહને ભારત લાવવાની સેવા પણ આપવામાં આવે છે.

*300 થી વધુ લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન*

કંપનીના ડિરેક્ટરના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં *300 થી વધુ લોકોએ* આ સેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાંથી કેટલાક લોકોએ તો જીવતા જીવ જ પોતાની અંતિમ યાત્રાની વ્યવસ્થા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

તેમનું કહેવું છે કે, ઘણા વૃદ્ધોને એવો ડર હોય છે કે, તેમના ગયા પછી સંતાનો પૂરતું ધ્યાન નહીં આપે. આવા લોકો માટે આ સર્વિસ રાહતરૂપ બની શકે છે.

હાલ આ સર્વિસ *દિલ્હી અને આસપાસના શહેરોમાં* જ આપવામાં આવી રહી છે.

*લોકોમાં મિશ્ર પ્રતિક્રિયા*

ટ્રેડ ફેરમાં આ સ્ટોલ જોઈને કેટલાક લોકો ચોંકી ગયા, તો કેટલાક લોકોએ તેને વ્યવહારુ સેવા ગણાવી. કેટલાકનું કહેવું છે કે, મૃત્યુ જેવી સંવેદનશીલ બાબતને પેકેજમાં વેચવી યોગ્ય નથી. તો બીજી તરફ, એકલા રહેતા વૃદ્ધો માટે આ સેવા જરૂરી છે, એવો મત પણ સામે આવી રહ્યો છે.