બજેટ@દેશ: બજેટમાં સરકારે 7 વસ્તુઓ પરની કસ્ટમ ડ્યૂટીમાં મોટાપાયે ઘટાડો કર્યો

2 વસ્તુઓ પર ડ્યૂટી વધારી છે
 
 બજેટ@દેશ: બજેટમાં સરકારે 7 વસ્તુઓ પરની કસ્ટમ ડ્યૂટીમાં મોટાપાયે ઘટાડો કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે નાણામંત્રીએ બજેટ જાહેર કર્યું છે. કેટલાક ફેરફાર કરીને બજેટ જાહેર કરવામાં આવ્યું છે.  આ વખતે બજેટમાં સરકારે 7 વસ્તુઓ પરની કસ્ટમ ડ્યૂટીમાં મોટાપાયે ઘટાડો કર્યો છે અને 2 વસ્તુઓ પર ડ્યૂટી વધારી છે. જેના કારણે લગભગ 7 પ્રોડક્ટ સસ્તી થઈ શકે છે અને 2 પ્રોડક્ટ મોંઘી થઈ શકે છે. સસ્તા ઉત્પાદનોમાં મોબાઇલ ફોન અને સોના અને ચાંદીનો સમાવેશ થાય છે. તે જ સમયે, પ્લાસ્ટિક સંબંધિત ઉત્પાદનો મોંઘા થઈ શકે છે.

જોકે, આ પ્રોડક્ટ્સ કેટલી સસ્તી કે મોંઘી હશે તે નિશ્ચિત નથી. સરકારે 1 જુલાઈ, 2017ના રોજ દેશભરમાં GST લાગુ કર્યો, ત્યારબાદ બજેટમાં ફક્ત કસ્ટમ ડ્યુટીમાં વધારો અથવા ઘટાડો કરવામાં આવ્યો. ડ્યુટીમાં વધારો અને ઘટાડો માલના ભાવ પર પરોક્ષ અસર કરે છે.

એક વર્ષમાં સિલિન્ડર 300 રૂપિયા સસ્તું, સોનું-ચાંદી 13,000 રૂપિયા મોંઘાં થયાં

છેલ્લા એક વર્ષમાં સોનું અને ચાંદી રૂ.13,000 મોંઘાં થયાં છે. ઘરેલુ ગેસ-સિલિન્ડરની કિંમતમાં 300 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન તુવેરદાળ લગભગ 30 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ છે. સોયાબીન તેલ, લોટ અને ચોખાના ભાવમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી.

પ્રોડક્ટ સસ્તી છે કે મોંઘી છે એ સમજવા માટે સૌપ્રથમ કરવેરા પ્રણાલીને સમજવી પડશે. કરવેરા પ્રત્યક્ષ કર અને પરોક્ષ કરમાં વિભાજિત કરવામાં આવે છે:

1. પ્રત્યક્ષ ટેક્સ: એ લોકોની આવક અથવા નફા પર લાદવામાં આવે છે. ઇન્કમટેક્સ, પર્સનલ પ્રોપર્ટી ટેક્સ જેવા ટેક્સ આ અંતર્ગત આવે છે. ડાયરેક્ટ ટેક્સનો બોજ તે વ્યક્તિ વહન કરે છે જેના પર ટેક્સ લાદવામાં આવ્યો હોય અને એ અન્ય કોઈને આપી શકાતો નથી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) તેનું સંચાલન કરે છે.

2. પરોક્ષ કર: એ વસ્તુઓ અને સેવાઓ પર લાદવામાં આવે છે. કસ્ટમ ડ્યૂટી, એક્સાઈઝ ડ્યૂટી, જીએસટી, વેટ, સર્વિસ ટેક્સ જેવા ટેક્સ આમાં સામેલ છે. પરોક્ષ કર એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં શિફ્ટ કરી શકાય છે.

જેમ કે જથ્થાબંધ વેપારી એને છૂટક વેપારીઓને આપે છે, જે ગ્રાહકો સુધી પહોંચે છે, એટલે કે એની અસર આખરે ગ્રાહકો પર જ પડે છે. આ કર સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા સંચાલિત થાય છે.

90% ઉત્પાદનો GST હેઠળ, એનાથી સંબંધિત નિર્ણયો GST કાઉન્સિલ લે છે
2017 પછી લગભગ 90% ઉત્પાદનોની કિંમત GST પર નિર્ભર છે. GST સંબંધિત તમામ નિર્ણયો GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવે છે, તેથી બજેટમાં આ ઉત્પાદનોની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.