શોધ@દેશ: ચંદ્રયાન-3એ ચંદ્ર પર ઓક્સિજન અને સલ્ફર હોવાની કરી પુષ્ટિ, જાણો વધુ

 
ISRO

અટલ સમાચાર, ડેસ્ક

ઈસરોએ મંગળવારે ચંદ્રયાન-3 મિશન સંબંધિત નવી માહિતી આપી હતી. રોવર પ્રજ્ઞાનમાં લાગેલા એક પેલોડે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફરની હાજરીની પુષ્ટિ કરી છે. આ સાથે ઓક્સિજનની હાજરી પણ જાણવા મળી છે. હવે ચંદ્રની સપાટી પર હાઇડ્રોજનની શોધ ચાલુ છે.

ઈસરોએ ટ્વીટ કરી જણાવ્યું કે, ત્યાં સતત વૈજ્ઞાનિક પ્રયોગો થઈ રહ્યા છે. આ સાથે જ રોવર પ્રજ્ઞાને એક મોટી શોધ કરી છે. ISROએ X પર પોસ્ટ કર્યું 'રોવર પર લાગેલ ઉપકરણ LIBS પ્રથમ વખત ઇન-સીટુ માપન દ્વારા, દક્ષિણ ધ્રુવની નજીક ચંદ્રની સપાટીમાં સલ્ફરની હાજરીની સ્પષ્ટ પુષ્ટિ કરે છે. અપેક્ષા મુજબ, Al, Ca, Fe, Cr, Ti, Mn, Si અને Oની પણ જાણ થઇ છે.

ઈસરોએ પોતાની પોસ્ટમાં વધુમાં જણાવ્યું કે હાલમાં ચંદ્રની સપાટી પર હાઈડ્રોજન (H)ની શોધ ચાલી રહી છે. ISROએ તેની વેબસાઈટ પર આ સંદર્ભમાં જણાવ્યું હતું કે, LIBS સ્પષ્ટ ઇન-સીટુ માપન દ્વારા ચંદ્રની સપાટી પર સલ્ફર (S)ની હાજરીની પુષ્ટિ કરે છે. સલ્ફરની હાજરીની પુષ્ટિ એ એવી વસ્તુ છે જે ઓર્બિટર પરના સાધનો (પેલોડ) વડે શોધવાનું શક્ય ન હતું.

ઈસરોએ ગ્રાફ દ્વારા ચંદ્રની સપાટી પર મળી આવેલા તત્વો વિશે જણાવ્યું છે. ISRO અનુસાર, ચંદ્રની સપાટી પર એલ્યુમિનિયમ (Al), સલ્ફર (S), કેલ્શિયમ (Ca), આયર્ન (Fe), ક્રોમિયમ (Cr) અને ટાઇટેનિયમ (Ti) ની હાજરી મળી આવી છે. વધુ માપથી મેંગેનીઝ (Mn), સિલિકોન (Si) અને ઓક્સિજન (O)ની હાજરીની જાણ થઇ છે.

ગ્લોબલ સ્પેસ ટેક્નોલોજી નિષ્ણાત અને રોકાણકાર કેન્ડેસ જ્હોન્સને શનિવારે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3નું પ્રજ્ઞાન રોવરથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર બરફ છે કે કેમ તે બતાવવાની અપેક્ષા છે. નવી દિલ્હીમાં ઇન્ડસ્ટ્રી બોડી CII દ્વારા આયોજિત B-20 કોન્ફરન્સમાં જ્હોન્સને કહ્યું હતું કે ભારતનું સ્પેસ મિશન માત્ર તેના યુવાનોને જ નહીં, પરંતુ વિશ્વના યુવાનોને પ્રેરણા આપે છે.