રાજકારણ@દેશ: ચોમાસું સત્ર 10 દિવસ બોલાવાની માંગ કોંગ્રેસ દ્વારા વિધાનસભા અધ્યક્ષ સમક્ષ કરવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે. આગામી ઓગસ્ટ મહિનામાં યોજાનાર વિધાનસભાના ચોમાસું સત્રને દસ દિવસ માટે બોલાવવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા વિધાનસભા અધ્યક્ષ સમક્ષ કરવામાં આવી છે.
કોંગ્રેસના સિનિયર નેતા અમિત ચાવડાએ પત્રકાર સમક્ષ જણાવ્યું હતું કે, રાજ્યમાં વિવિધ જમીન કૌભાંડ માટે રચાયેલી સીટના તપાસ અહેવાલો પર ખુલ્લા મનથી ચર્ચા થવી જોઈએ. ચોમાસું સત્ર માત્ર એક-બે દિવસનું ન રાખીને ગુજરાતની મહત્વની સમસ્યાઓ પર ચર્ચા માટે દસ દિવસનું હોવું જોઈએ, તેવી કોંગ્રેસે માંગણી કરી છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, હિન્દુત્વના નામે કાર્યરત ભાજપ સરકાર ગૌચરની જમીન ઔદ્યોગિક ગૃહોને પધરાવી રહી છે, જેમાં ગૌમાતા માટેની જમીન હડપાઈ ગઈ છે. તેમજ ચોમાસા સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી તમામ એસઆઇટીના રિપોર્ટ રજૂ કરી તેના પર ચર્ચા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.