બ્રેકિંગ@કર્ણાટક: મતગણતરીમાં કોંગ્રેસ 113ના બહુમતના આંકને પાર, CM બોમ્મઈએ હાર સ્વીકારી

અટલ સમાચાર, ડેસ્ક
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચ મુજબ કોંગ્રેસ 129, ભાજપ 63 જેડીએસ 22 અને અન્ય 4 સીટ પર આગળ છે. એટલે કે કોંગ્રેસ હાલમાં 113ના બહુમતના આંકને પાર થઈ ગઈ છે. કોંગ્રેસને 42.8%, BJPને 36.1% અને JDSને 13.2% વોટ મળતા જોવા મળી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વલણોને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને બેંગલુરુ પહોંચવાનું કહ્યું છે. બીજી તરફ જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે ભાજપ કે કોંગ્રેસે તેમની સાથે કોઈ સંપર્ક કર્યો નથી. કર્ણાટકના મુખ્યમંત્રી અને ભાજપના નેતા બસવરાજ બોમ્મઈએ હાર સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીમાં અમે મજબૂતીથી પરત ફરીશું.
ટ્રેન્ડમાં કોંગ્રેસની જીત જોઈને કર્ણાટકના કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું, આ અખંડ કર્ણાટકની જીત છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ હંમેશા અમને સાથ આપ્યો છે. તેમણે સિદ્ધારમૈયા સહિત કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકરોનો આભાર માન્યો છે.
ભારત જોડો યાત્રાની અસર કર્ણાટક ચૂંટણીમાં જોવા મળી રહી છે. ભારત જોડો યાત્રા કર્ણાટકની 21 બેઠકોના ક્ષેત્રમાંથી પસાર થઈ હતી. કોંગ્રેસને આમાંથી 17 સીટ પર જીત મળતી દેખાય છે. 2018માં કોંગ્રેસે આ સીટોમાંથી માત્ર પાંચ સીટ જીતી હતી. રાહુલ ગાંધી આજે સાંજે કોંગ્રેસ કાર્યાલય જઈ શકે છે.