રિપોર્ટ@દેશ: ગૃહમંત્રી અમિત શાહના રાજીનામા માટે કોંગ્રેસ અભિયાન ચલાવશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમિત શાહના બાબાસાહેબ બાબતે આપેલા નિવેદન બાદ દેશભરમાં વિરોધ જોવા મળ્યો હતો. વિપક્ષ દ્વ્રારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. શાહનાં રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટી ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી સાથે આગામી 26 જાન્યુઆરી સુધી દેશભરમાં અભિયાન ચલાવશે. 22 અને 23 ડિસેમ્બરે કોંગ્રેસના નેતાઓ 150થી વધુ શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. 27મી ડિસેમ્બરે કર્ણાટકના બેલગાવીમાં પાર્ટીની એક મોટી રેલી થશે.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે રવિવારે કહ્યું હતું કે "સંસદ સત્રમાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે તેમના ભાષણમાં બાબા સાહેબનું અપમાન કર્યું છે. શાહના નિવેદનથી દરેકને દુઃખ થયું છે. હજુ સુધી ન તો અમિત શાહ કે ન તો વડાપ્રધાને આ મામલે માફી માંગનાવો પ્રયાસ કર્યો નથી. કોંગ્રેસ આ મુદ્દાને ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરી સુધી દેશભરમાં ઉઠાવશે.
કોંગ્રેસના નેતા પવન ખેડાએ પણ માહિતી આપી હતી કે લોકસભા અને રાજ્યસભાના કોંગ્રેસના સાંસદો CWC સભ્યો સાથે દેશભરના 150 જુદા જુદા શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરશે.