વિવાદ@ગુજરાત: આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું નામ પોલીસની એક યાદીમાં આવતા વિવાદ

નોકરી છોડી છતાં કોન્સ્ટેબલની યાદીમાં ઇટાલિયાનું નામ કેવી રીતે આવ્યું?

 
વિવાદ@ગુજરાત: આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું નામ પોલીસની એક યાદીમાં આવતા વિવાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં કેટલીક બાબતોના કારણે વિવાદ જોવા મળતો હોય છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું નામ પોલીસની એક યાદીમાં આવતા વિવાદ ઊભો થયો છે. ખુદ ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા એક્સ પર સવારે 9:36 વાગ્યે પોસ્ટ કરીને ગૃહ રાજ્યમંત્રી પર કટાક્ષ કર્યો. આ પછી મામલો એટલો ગરમાયો કે બપોરે 4:19 વાગતાં અમદાવાદ પોલીસે સ્પષ્ટતા કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર કરવી પડી.

ગોપાલ ઇટાલિયા રાજકારણી બાદમાં બન્યા પરંતુ તે પહેલાં પોલીસ કોન્સ્ટેબલ હતા. વર્ષ 2015માં તેમણે પોલીસની નોકરી છોડી દીધી હતી. તેમ છતાં તેમનું નામ પોલીસ વિભાગની યાદીમાં કેવી રીતે આવ્યું તે સૌથી મોટો સવાલ છે. આ સવાલનો જવાબ મેળવવા  અમદાવાદ પોલીસ સાથે વાત કરી અને ગોપાલ ઇટાલિયાનો પણ મત જાણ્યો.


ઇન્ચાર્જ જેસીપીએન.એન.ચૌધરીએ કહ્યું કે, 300થી વધુ પોલીસ કોન્સ્ટેબલને પ્રમોશન આપવાના હતા. આના માટે 2012થી હાજર થયેલા પોલીસ કોન્સ્ટેબલનાં નામ વિચારણામાં લેવાનાં હતાં. જે પ્રમોશન આપવાના હતા તેના ત્રણ ગણાં નામ લેવાના હોય. જૂની પ્રવર્તતા યાદીને લઇને તેની ચકાસણી ચાલુ કરી હતી.


આ લિસ્ટમાં જેનાં નામ હતાં તેની વિગતો તપાસવાની હતી. એ લિસ્ટમાં ગોપાલ ઇટાલિયાનું નામ છે, આના સિવાય બીજું કંઇ નથી. જે લોકો ચકાસણીમાં ફિટ નથી થતાં તેમનાં નામ પ્રમોશન માટે નથી લેવાતાં.​​​​​​​કોઇ વ્યક્તિ પોલીસ વિભાગમાં જોડાય એટલે તેનું નામ દાખલ થાય. એ નામનું લિસ્ટ એટલે પ્રવર્તતા યાદી. પોલીસમાં જે ભરતી થાય તેનાં નામ પ્રવર્તતા યાદીમાં હોય જ પછી ભલેને તે પોલીસ કર્મચારી રિટાયર્ડ થઇ જાય કે મૃત્યુ પામે. આટલી માહિતી મેળવ્યા બાદ અમે ગોપાલ ઇટાલિયાનો સંપર્ક કર્યો અને તેમનો પક્ષ જાણ્યો.


​​​​​​​પોલીસની યાદીમાં નામ આવ્યું હોવાની કઇ રીતે ખબર પડી તે અંગે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, હું પોલીસમાં હતો એટલે સ્વાભાવિક છે કે મારી સાથે એ સમયે સંકળાયેલા હોય એમાંથી 2-3 લોકોએ મને જાણ કરી. જેના પછી મેં જોયું કે મારું નામ છે કે બીજું કોઈ?

મારા નામની ઉપર અને નીચે જે લોકોનાં નામ છે એની સાથે મેં કામ કર્યું છે અને તેમને ઓળખું છું એટલે લાગ્યું કે આ મારું નામ જ હોવું જોઈએ.


તેમણે જણાવ્યું કે, ગુજરાતના છેવાડાના અંતરિયાળ ગામમાં સરકારી ખર્ચે ક્યાંય શૌચાલય જો બનાવાય તો ભાજપ તેની ક્રેડિટ લે છે તો મારું નામ આવવામાં પણ ભૂલ એની જ માનું છું. ભાજપની ભૂલ છે એ લોજિકલ વાત છે.

આટલાં વર્ષોમાં પોલીસ ચોપડે ગોપાલ ઇટાલિયાની નોકરી ચાલુ હતી? પગાર થતો હતો? બીજા કોઈનું નામ ન આવ્યું અને મારું જ કેમ આવ્યું? હું તો નોકરીમાં છું જ નહીં. ભૂલ તો છે જ. હવે કોણ સ્વીકારે અને કોણ નહીં એ પોતપોતાના અહંકાર પર છે. હું રાજકીય હોઉં કે નહીં, મારું નામ આવ્યું જ કેવી રીતે? નામ આવ્યું એટલે હું બોલ્યો ને.


સરકાર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, સારું હોય એ મારું અને ખરાબ હોય એ તારું એવું છે. સેન્ટ્રલાઈઝ સિસ્ટમ નહીં બનાવી હોય, સરકાર ભાજપની છે, કેટલા કર્મચારી? કેટલા જીવે છે? કેટલા મૃતક છે? કેટલાનાં રાજીનામાં વગેરેની ડેટાબેંક નહીં હોય. એનો અર્થ એમ કે મેન્યુઅલી કામ થતું હશે. પોલીસ વિભાગમાં મેન્યુઅલી કામ થાય એ ભૂલ ભાજપની છે, ગૃહ મંત્રાલયની છે, ગૃહમંત્રીની છે.

ડિજિટાઈઝેશન કરી અને સેન્ટ્રલાઈઝ ડેટા તૈયાર કરવો જોઈએ. જો ડેટા હોય તો આ ભૂલ કેમ થઈ? રાજકારણને શું લેવાદેવા? આ તો પોલીસ તરીકે નામ છે, કાલે સવારે તો મારા નામનું લેણું કાઢે એમ છે કે ગોપાલ ઇટાલિયાએ 50 લાખ રૂપિયા ભરવાના છે.


પોલીસની નોકરીમાંથી કેમ રાજીનામું આપ્યું તેના વિશે તેઓ કહે છે કે, મેં 2015માં રાજીનામું આપ્યું હતું. પોલીસ વિભાગમાં મજા આવે તેમ નહોતી. હું બીજી સરકારી નોકરી માટે પણ તૈયારી કરતો હતો.

અમદાવાદ પોલીસે ખાતાકીય તપાસની વિગતો માગી હતી
​​​​​​
​અમદાવાદ પોલીસ કમિશનરની ઓફિસ તરફથી 2 સપ્ટેમ્બર, 2024ના દિવસે એક પત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં અનાર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલને અનાર્મ્ડ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવા માટે ખાતાકીય તપાસની વિગતો મગાઇ હતી.


આ માટે 11 જાન્યુઆરી, 2012 સુધીમાં અમદાવાદ શહેર ખાતે હાજર થયેલા પોલીસ કર્મચારીઓનાં નામ વિચારણામાં લેવાનાં હતાં. આ પત્રના 726 નંબર પર ગોપાલ ઇટાલિયાનું નામ હતું. જેનો બકલ નંબર 7975 દર્શાવાયો હતો. ગોપાલ ઇટાલિયાએ આ પત્રને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.