કોરોના@દેશઃ એક જ દિવસમાં 2.47 લાખથી વધુ નવા કેસ નોંધાયા, 380 લોકોના મોત
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં કોરોનાનો અજગરી ભરડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં 27 ટકાનો તોતિંગ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના દૈનિક કેસનો આંકડો અઢી લાખની નજીક પહોંચી ગયો છે. ગઈ કાલે દેશમાં કુલ 1,94,720 નવા કેસ નોંધાયા હતા. અને આજે 2.47 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2,47,417 કેસ નોંધાયા છે. જે ગઈ કાલ કરતા 27 ટકા વધુ છે. હાલ દેશમાં 11,17,531 દર્દીઓ સારવાર હેઠળ છે. ડેઈલી પોઝિટિવિટી રેટ વધીને 13.11% થયો છે. કોરોનાથી એક દિવસમાં 84,825 દર્દીઓ રિકવર પણ થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી સંક્રમિત  દર્દીઓની સંખ્યા 5,488 થઈ છે. કોરોનાએ છેલ્લા 24 કલાકમાં 380 દર્દીઓનો ભોગ લીધો છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 4,85,035 દર્દીઓના જીવ ગયા છે. 

દેશમાં જે સ્પીડથી કોરોનાના કેસ વધી રહ્યા છે તેણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની ચિંતા વધારી દીધી છે. પીએમ મોદી આજે સાંજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે. કેન્દ્ર સરકારે કહ્યું કે દેશમાં 300 જિલ્લામાં સાપ્તાહિક સંક્રમણ દર 5 ટકાથી વધુ છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, કેરળ અને ગુજરાત ચિંતાવાળા રાજ્યો તરીકે ઉભરી રહ્યા છે. બુધવારે સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે સંક્રમણ દર 30 ડિસેમ્બરે 1.1 ટકા હતો જે બુધવારે વધીને 11.05 ટકા થયો.