ક્રાઈમ@મહારાષ્ટ્ર: નર્સિંગ વિદ્યાર્થિની પર ઓટો ડ્રાઈવરે બળાત્કાર ગુજાર્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં બળાત્કાર ગુનાઓ ખુબજ વધી ગયા છે. કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર-હત્યા બાદ મહારાષ્ટ્રના રત્નાગિરિમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થિની પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સોમવારે (26 ઓગસ્ટ)ના રોજ બની હતી. પીડિતા દેવરુખ સ્થિત તેના ઘરેથી રત્નાગિરિ પરત આવી હતી. બસ સ્ટેન્ડથી કોલેજ જતી વખતે ઓટો ડ્રાઈવરે તેની સાથે બળાત્કાર કર્યો હતો.
SP જયશ્રી ગાયકવાડે જણાવ્યું કે પીડિતાની ઉંમર 19 વર્ષની છે. તે દેવરુખની રહેવાસી છે. તે 26 ઑગસ્ટના રોજ સવારે કોલેજ જવા માટે બસ સ્ટેન્ડથી ઓટો રિક્ષામાં બેઠી હતી. આ દરમિયાન ડ્રાઈવરે તેને પીવા માટે પાણી આપ્યું હતું. પાણી પીધા બાદ તે બેભાન થઈ ગઈ હતી. પીડિતા જ્યારે હોશમાં આવી ત્યારે તે જંગલમાં હતી. તેનાં કપડાં ફાટી ગયાં હતાં. હાથ પર ઈજાનાં નિશાન હતાં. બળાત્કારની જાણ થતાં તે હોસ્પિટલ પહોંચી, જ્યાં પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે અજાણ્યા ઓટોચાલક સામે ગુનો નોંધ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, નર્સિંગ સ્ટુડન્ટે જણાવ્યું કે તેને રવિવારે (25 ઓગસ્ટ) રજા હતી. જેથી તે દેવરુખ સ્થિત તેના ઘરે ગઈ હતી. હંમેશની જેમ, તે સોમવારે (26 ઓગસ્ટ) સવારે 6 વાગ્યાની બસથી દેવરુખથી રત્નાગિરિ પહોંચી હતી. તે સવારે લગભગ સાત વાગ્યે રત્નાગિરિના સાલ્વી સ્ટોપ પર નીચે ઊતરી.
ત્યાંથી કોલેજ જવા ઓટોરિક્ષા લીધી. રસ્તામાં ઓટો ડ્રાઈવરે તેને પાણી પીવડાવ્યું, જેના પછી તે બેહોશ થઈ ગઈ. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તેણે જોયું કે તેનો તમામ સામાન જંગલમાં વેરવિખેર પડ્યો હતો. કપડાં ફાટી ગયાં છે. તેણે તેની બહેનને ફોન કરીને ઘટનાની જાણ કરી.
પીડિતા કોઈક રીતે જંગલમાંથી મુખ્ય માર્ગ પર પહોંચી. ત્યાં, બાઇક સવારની મદદ લીધા પછી, તે તેના ફ્લેટ પર પહોંચી, જ્યાંથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. એસપી જયશ્રી ગાયકવાડ હોસ્પિટલમાં ગયાં અને પીડિતાને મળ્યા અને કેસ નોંધ્યો. પોલીસ સીસીટીવી અને અન્ય પુરાવા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. કેસની તપાસ ચાલુ છે. આરોપી હજુ ફરાર છે. ઘટનાના વિરોધમાં સોમવારે રાત્રે લોકોએ પ્રદર્શન પણ કર્યું હતું.