ક્રાઈમ@મહારાષ્ટ્ર: એક જ પરિવારના 5 લોકોની ઝેર પીવડાવી હત્યા,જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

 મદદ કરી રહેલા એક સંબંધીના હોઠ પણ કાળા પડી ગયા હતા
 
અપડેટ@મહારાષ્ટ્ર: એક જ પરિવારના 5 લોકોની ઝેર પીવડાવી હત્યા,જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પરિવારના 5 લોકોની હત્યાથી મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે. આસપાસના લોકોમાં ભયનો માહોલ છે. 20 દિવસમાં પરિવારના સભ્યો એક પછી એક મૃત્યુ પામવા લાગ્યા. હત્યાના આરોપમાં ઘરની બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસમાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એક જ પરિવારના 5 લોકોની હત્યાના આરોપમાં બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે.

કથિત રીતે બંને મહિલાઓ મૃતકોથી છુટકારો મેળવવા માંગતી હતી, તેથી તેઓએ ખોરાક અને પાણીમાં ઝેર ભેળવી દીધું. તેઓ આ ઝેર તેલંગાણાથી લાવ્યા હતા.બંનેએ આ હત્યાને ફૂડ પોઈઝનિંગ તરીકે રજૂ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ ઓફિસરે કહ્યું કે, એક આરોપી મહિલા તેના પતિ અને સાસરિયાઓના મેણા ટોણાથી ગુસ્સે હતી. તો અન્ય આરોપી મહિલા તેની પૈતૃક મિલકતના ભાગલા અંગે મતભેદમાં હતી. ઝેરના કારણે પરિવારના અન્ય બે સભ્યો અને તેમના ડ્રાઇવર પણ બીમાર પડ્યા હતા. જોકે સારવાર બાદ ત્રણેયની હાલત સ્થિર છે.

પોલીસના જણાવ્યા અનુસાર 26 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે પરિવારના 5 લોકોના મોત થયા હતા. રિપોર્ટ અનુસાર, મૃત્યુ પહેલા પીડિતોના શરીરમાં કળતર, પીઠ અને માથામાં તીવ્ર દુખાવો થયો હતો. તેમના હોઠ કાળા થઈ ગયા હતા અને જીભ ભારે થઈ ગઈ હતી. ઘરમાં એક પછી એક સતત મોતના કારણે સગાસંબંધીઓ અને આસપાસના લોકો આઘાતમાં મુકાઈ ગયા હતા. રિપોર્ટ અનુસાર, અહેરી તહસીલના મહાગાંવ ગામમાં 20 સપ્ટેમ્બરના રોજ શંકર કુંભાર અને તેમની પત્ની વિજયા કુંભારની તબિયત સૌથી પહેલા બગડી હતી. થોડી જ વારમાં તેમની હાલત ગંભીર બની ગઈ. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ, 26 સપ્ટેમ્બરે શંકરનું મૃત્યુ થયું હતું. તેની પત્ની પણ બીજા દિવસે મૃત્યુ પામી હતી.

જ્યારે પરિવારના સભ્યો શોકમાં હતા, ત્યારે શંકરના પુત્ર રોશન અને તેની બે પુત્રીઓ કોમલ અને વર્ષામાં પણ સમાન લક્ષણો દેખાવા લાગ્યા હતા. તેઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ, સારવાર છતાં ત્રણેય 8 થી 15 ઓક્ટોબરની વચ્ચે એક પછી એક મૃત્યુ પામ્યા હતા. આ પછી શંકરનો પુત્ર સાગર તેના માતા-પિતાના અંતિમ સંસ્કાર કરવા ઘરે પહોંચ્યો હતો અને પરત પોતાના આવ્યા બાદ તે પણ બીમાર પડ્યો હતો. જો કે સારવાર બાદ તેની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં, આ પછી ડ્રાઈવર પણ બીમાર પડ્યો હતો. આ સિવાય પરિવારને મદદ કરી રહેલા એક સંબંધીના હોઠ પણ કાળા પડી ગયા હતા. તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવા પડ્યા હતા.

અધિકારીના જણાવ્યા અનુસાર, ડૉક્ટરને શંકા છે કે, પીડિતો કોઈ પ્રકારના ઝેરી પદાર્થથી પીડિત છે. પોલીસે જણાવ્યું કે, રોશનની પત્ની સંઘમિત્રા અને શંકરના ભાઈની પત્ની રોજાએ કહ્યું કે, પરિવારના સભ્યોનું મોત ફૂડ પોઈઝનિંગને કારણે થયું છે.

સંઘમિત્રાએ શંકરના પુત્ર રોશન સાથે પોતાની મરજીથી લગ્ન કર્યા હતા. થોડા મહિના પહેલા જ તેના પિતાએ આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના સભ્યો તેને ટોણા મારતા હતા. રોજાને તેની ભાભી સાથે મિલકત બાબતે ઝઘડો થયો હતો. બંનેએ યોજના ઘડીને ખાદ્યપદાર્થોમાં ઝેર ભેળવીને બધાને ખવડાવ્યું. ડ્રાઈવરે આકસ્મિક રીતે ઝેરથી ભરેલી પાણીની બોટલ પી લીધી હતી. તે બોટલ અંગે આરોપી મહિલાઓએ જણાવ્યું કે, તેમાં સારવાર માટેની જડીબુટ્ટીઓ હતી. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.