અપડેટ@દેશ: સુરક્ષાદળોના ખડકલા વચ્ચે મણિપુરમાં ફરી કર્ફ્યુ, જાણો શું છે કારણ ?

 
Manipur

અટલ સમાચાર, ડેસ્ક

મણિપુરમાં છેલ્લે 3 મેના રોજ અનામતને લઈને બે સમુદાયો વચ્ચે હિંસા શરૂ થઈ હતી. જેના કારણે આખું રાજ્ય અત્યાર સુધી હિંસાની આગમાં બળી રહ્યું છે. જોકે હવે અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર સાવચેતીના પગલા સ્વરુપે મણિપુર ખીણના તમામ પાંચ જિલ્લામાં સંપૂર્ણપણે કર્ફ્યુ લદાયો છે.

કોઓર્ડિનેશન કમિટી ઓન મણિપુર ઈન્ટીગ્રેશન અને તેની લેડી બ્રાન્ચની જાહેરાતને ધ્યાનમાં રાખીને આ પાંચ જિલ્લામાં કર્ફ્યુ જાહેર કરાયો છે. આ પાંચ જિલ્લાઓ બિષ્ણુપુર, કકચિંગ, થૌબલ, ઇમ્ફાલ પશ્ચિમ અને ઇમ્ફાલનો સમાવેશ થાય છે. અગાઉ આ રાજ્યોમાં અપાયેલી કર્ફ્યુમાં રાહતને રદ કરાઈ છે. આ જાહેરાતને લીધે હિંસા ફરી ન ભડકે, ધીમે ધીમે સુધરતી સ્થિતિ ફરી ન બગડે તેવા ઉદ્દેશ્ય સાથે સુરક્ષાદળોને કમાન સોંપાઈ છે.

અનામતને લઈને કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે છેલ્લે 3 મેના રોજ શરૂ થયેલી હિંસામાં 160 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 6 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. રાહત માટે બનાવેલા રાહત કેમ્પમાં 50 હજારથી વધુ લોકો આશ્રય મેળવી રહ્યા છે. આ હિંસા દરમિયાન આગચંપીના 5 હજારથી વધુ બનાવો બન્યા હતા. છ હજારથી વધુ એફઆઈઆર દાખલ કરાઈ અને 144 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં મણિપુરમાં 36,000 સુરક્ષા કર્મચારીઓ અને 40 અધિકારીઓ તૈનાત કરાયા છે.