ચૂંટણી@દેશ: આજે 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે
પહેલીવાર જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. 4 રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે. હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ ચૂંટણી યોજાવાની છે. આ વખતે બે ચૂંટણી પર દેશભરની નજર રહેશે. એક મહારાષ્ટ્ર અને બીજું જમ્મુ કાશ્મીર. કારણ કે, કલમ 370 દૂર થયા પછી પહેલી વિધાનસભા ચૂંટણી ત્યાં થવા જઈ રહી છે. છેલ્લે 10 વર્ષ પહેલાં 2014માં ચૂંટણી થઈ હતી. બીજું મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની યુતિ તેમજ કોંગ્રેસ અને શિવસેનાની યુતિ વચ્ચે મોટો જંગ છે.
11 ડિસેમ્બર, 2023ના રોજ, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જમ્મુ અને કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર, 2024 સુધીમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટનો આ નિર્દેશ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને નાબૂદ કરવાને પડકારતી અરજીઓ પરના નિર્ણયનો એક ભાગ હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને વહેલી તકે રાજ્યનો દરજ્જો આપવામાં આવે અને ત્યાં ચૂંટણી યોજવી જોઈએ. શક્ય તેટલી વહેલી તકે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પરત મળવો જોઈએ. લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ (UT) બનાવવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો હતો. ચૂંટણી પંચે 14 ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા સાથે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજી હતી. 9 ઓગસ્ટના રોજ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તેમની ટીમ સાથે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી.
જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ 11 ઓગસ્ટે કહ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં કહ્યું હતું કે, પહેલા સીમાંકન થશે, પછી વિધાનસભા ચૂંટણી થશે અને પછી યોગ્ય સમયે રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. બધી વસ્તુઓ એક જ ક્રમમાં ચાલી રહી છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, PM મોદી 20 જૂને શ્રીનગર આવ્યા હતા. ત્યારે તેમણે ટૂંક સમયમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. ચૂંટણી પંચની એક ટીમે અહીં મુલાકાત લીધી છે. લોકોને મળ્યા છે.