નિર્ણય@દેશ: આયુષ્માન યોજનામાં મોટો ફેરફાર: 112 સારવાર હવે માત્ર સરકારી હોસ્પિટલમાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) ના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર હવે આ યોજના હેઠળની 112 પ્રકારની સારવાર અને ઓપરેશનના પેકેજ માત્ર સરકારી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહી છે.
જો આ નિર્ણય લાગુ થશે તો આ 112 બીમારીઓની સારવાર માટે લાભાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં મફત સારવારની સુવિધા નહીં મળે. તેમણે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં જ જવું પડશે.
*પહેલા 23 હતા, હવે થશે 112*
અત્યાર સુધી આયુષ્માન યોજના હેઠળ 23 સારવાર પેકેજ સરકારી હોસ્પિટલો માટે અનામત રાખવામાં આવ્યા હતા. હવે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ (NHA) દ્વારા તેમાં વધુ 89 નવા પેકેજ ઉમેરવાની તૈયારી છે. આમ કુલ 112 પેકેજ સરકારી હોસ્પિટલો માટે અનામત થઈ જશે.
NHA ના ઉપસચિવ ડૉ. શૈલેશ દ્વારા તમામ રાજ્યોના સ્વાસ્થ્ય પ્રાધિકરણને પત્ર મોકલીને 1 ડિસેમ્બર 2026 સુધીમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવાયું છે. નવી યાદી 1 ડિસેમ્બર 2026 થી ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ (TMS) માં લાગુ કરવામાં આવશે.
*કઈ-કઈ સારવાર સામેલ છે?*
આ 112 પેકેજમાં મુખ્યત્વે નીચેની સારવારનો સમાવેશ થાય છે:
- *આંખના રોગ:* મોતિયો, ઝામર (ગ્લુકોમા)
- *સ્ત્રી રોગ:* હાઈ-રિસ્ક ડિલિવરી, ગર્ભાશય કાઢવાની સર્જરી (હિસ્ટરેક્ટોમી), MTP
- *લિવર અને પેટના રોગ:* આલ્કોહોલિક લિવર ડિસીઝ, હેપેટાઇટિસ, પેન્ક્રિયાટાઇટિસ, ડાયરિયા
- *જનરલ સર્જરી:* ભગંદર, સિસ્ટ, બાયોપ્સી, ગાંઠ, હાઇડ્રોસીલ, બાવાસીર
- *ચેપી રોગ:* મેલેરિયા, ચિકનગુનિયા, તીવ્ર બ્રોન્કાઇટિસ
- *માનસિક રોગ:* તણાવ, ચિંતા, મૂડ ડિસઓર્ડર, ADHD
- *અન્ય:* ગંભીર એનિમિયા, હાડકાંના રોગ, કાન-નાક-ગળાના રોગ
*અંતિમ નિર્ણય રાજ્ય સરકારનો રહેશે*
મહત્વની વાત એ છે કે આ વ્યવસ્થા લાગુ કરવી કે નહીં તેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકારો લઈ શકશે. એટલે કે રાજ્ય સરકાર ઈચ્છે તો આ પેકેજ ખાનગી હોસ્પિટલોમાં પણ ચાલુ રાખી શકે છે.
સરકારનું કહેવું છે કે આ નિર્ણય પાછળ સરકારી હોસ્પિટલોની સુવિધા મજબૂત કરવી અને ખાનગી હોસ્પિટલો પર થતો સરકારી ખર્ચ ઘટાડવો એ મુખ્ય ઉદ્દેશ છે.
*લાભાર્થીઓને શું કરવું?*
આયુષ્માન કાર્ડ ધારકોને સલાહ છે કે સારવાર કરાવતા પહેલા નજીકની સરકારી હોસ્પિટલમાં જઈને પેકેજ અંગેની માહિતી મેળવી લે, જેથી છેલ્લી ઘડીએ મુશ્કેલી ન પડે.

