નિર્ણય@દિલ્હીઃ સુપ્રીમ કોર્ટનો FSSAIને આદેશ:પેકેટ પર લાલ રંગનો ષટ્કોણ બનાવવામાં આવશે

ચિપ્સ-કોલ્ડ્રિંક પર હવે લાલ નિશાન કેમ લાગશે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પેકેટબંધ ખોરાક ખરીદતા પહેલા હવે પાછળનું ઝીણું લખાણ વાંચવાની જરૂર નહીં પડે. સુપ્રીમ કોર્ટે FSSAIને આદેશ આપ્યો છે કે પેકેટના આગળના ભાગે જ લાલ રંગના ષટ્કોણમાં ચેતવણી લખવી પડશે.

*એક નહીં, ત્રણ અલગ લેબલ લગાવવા પડશે*

FSSAIએ પહેલા એક જ કમ્બાઇન્ડ લેબલનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ કોર્ટે તેને વધુ કડક કર્યું છે.

કોર્ટના આદેશ મુજબ, દરેક પોષક તત્વ માટે અલગ-અલગ ષટ્કોણ હોવો જોઈએ. જો પ્રોડક્ટમાં ખાંડ વધારે હોય તો *HIGH SUGAR*, મીઠું વધારે હોય તો *HIGH SALT* અને ચરબી વધારે હોય તો *HIGH FAT* લખવું પડશે. એક જ પ્રોડક્ટમાં ત્રણેય વધારે હોય તો ત્રણેય નિશાન લાગશે.

*લખાણ સાથે ચિત્ર પણ હશે*

દરેક ષટ્કોણમાં તે પોષક તત્વનું ચિત્ર પણ હશે, જેથી દરેક ગ્રાહકને પહેલી નજરે જ સમજાઈ જાય. આ લેબલ પેકેટના આગળના ભાગે સ્પષ્ટ દેખાય તે રીતે લગાવવું પડશે.

*હવે ટોટલ શુગર ગણાશે*

કોર્ટે મોટો ફેરફાર એ કર્યો છે કે હવે ફક્ત એડેડ શુગર કે એડેડ ફેટ નહીં, પણ *ટોટલ શુગર* અને *સેચ્યુરેટેડ ફેટ* ગણવામાં આવશે. એટલે કંપનીઓ હવે "અમે ખાંડ ઉમેરી નથી" કહીને બચી શકશે નહીં.

*ક્યારે લાગુ થશે?*

FSSAIને નિયમો બનાવવા માટે 4 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ કંપનીઓને 365 દિવસનો સમય મળશે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે હવે સમયમર્યાદામાં વધારો સામાન્ય રીતે નહીં મળે અને નિયમ નહીં માનનારી કંપનીઓ સામે કડક કાર્યવાહી થશે.

*કઈ કંપનીઓને ફટકો?*

આ આદેશ મોટી ફૂડ-ડ્રિંક કંપનીઓ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, જે લાંબા સમયથી આવા લેબલનો વિરોધ કરતી હતી. જ્યારે આરોગ્ય કાર્યકરોએ આ નિર્ણયને આવકાર્યો છે.