નિર્ણય@દેશ: બિન-હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની પારદર્શિતા લાવવા માટે નિર્ણય લેવાયો

PSI-PIની બદલીના નવા નિયમ

 
નિર્ણય@દેશ: બિન-હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની પારદર્શિતા લાવવા માટે નિર્ણય લેવાયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા બિન-હથિયારી PSI તેમજ બિન-હથિયારી PIની બદલીની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવામાં આવશે. તેમજ તમામ અધિકારીઓને રાજ્યના અલગ-અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળશે. આ હેતુથી મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાથેની મિટિંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પાંચ વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર પી.એસ.આઇ કે પી.આઇને તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહીં.


જે બિન હથિયારી પી.એસ.આઇ કે પી.આઇએ એક જ ઝોનમાં પાંચ વર્ષ સળંગ અથવા તૂટક-તૂટક નોકરી કરી હોય તો તેમની બદલી કયા જિલ્લાઓ કે એકમોમાં કરી શકાશે નહીં, તે અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને લેવા સ્પષ્ટપણે નિર્દેશ કરવામાં આવ્યો છે.


ગૃહ વિભાગે લીધેલા આ મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે પી.એસ.આઈ અને પી.આઈની બદલી પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. તેમજ તમામ પોલીસ અધિકારીઓને રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળશે. આ નિયમોમાં અમુક કિસ્સા જેમ કે પતિ-પત્ની કેસ, ગંભીર બીમારી અને નિવૃતિ નજીકનો સમયગાળો હોય તો કેસના મેરીટ અન્વયે વિચારણા કરી શકાશે.