દુ:ખદ@બૉલીવૂડ: બાજીગર સહિત 100થી વધુ ફિલ્મોમાં હીટ ગીતો લખનાર દેવ કોહલીનું નિધન
અટલ સમાચાર, ડેસ્ક
પીઢ ગીતકાર 81 વર્ષીય દેવ કોહલીનું આજે સવારે નિધન થયું છે. દેવ કોહલીને અંધેરીની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ઉંમર સંબંધિત બીમારીને કારે બે ત્રણ મહિના માટે દાખલ કરાયા હતા પરંતુ તેમ છતાં તેમની તબિયતમાં કોઈ સુધારો થયો નહોતો. જે પછી ડોક્ટરોના કહેવાથી 10 દિવસ પહેલાં ઘરે પરત આવ્યા હતા. આજે વહેલી સવારે 4 કલાકે પીઢ ગીતકાર લાંબી નિંદ્રામાં પોઢી ગયા છે. દેવ કોહલીના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છવાયું છે.
દેવ કોહલીના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને બપોરે 2 વાગ્યાથી મુંબઈમાં તેમના લોખંડવાલા સ્થિત ઘરે રાખવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈના ઓશિવારા સ્મશાનગૃહમાં કરવામાં આવશે. કવિ અને ગીતકાર દેવ કોહલીનું તેમના ઘરે નિધન થયું છે, હાલ મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. દેવ કોહલીએ ‘લાલ પથ્થર’, ‘મૈંને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈ કૌન’, ‘બાજીગર’, ‘જુડવા 2’, ‘મુસાફિર’, ‘ઈશ્ક’, ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’, ‘ટેક્સી નંબર 911’ જેવી 100થી વધુ ફિલ્મો માટે સુપરહિટ ગીતો લખ્યા હતા. દેવકોહલીએ સલમાન ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ માટે ‘કબૂતર જા જા…, આજા શામ હોને આઈ, આતે જાતે હસ્તે ગાતે, કહે તોસે સજના જેવા સુપરહિટ ગીતો લખ્યા હતા.
આ સિવાય ગીતો ગાતા હૂં મેં (લાલ પથ્થર) માઈ ના માઈ મુંડેર પર તેરી બોલ રહા હૈ કાગા (હમ આપકે હૈ કૌન), યે કાલી કાલી આંખે (બાજીગર), ચલતી હૈ ક્યા, નૌ સે બારહ (જુડવા 2), ઓ સાકી સાકી (મુસાફિર) જેવા તમામ સુપર હિટ ગીતો દેવકોહલીની કલમે લખાયેલા હતા. દેવ કોહલીએ પોતાની કારકિર્દીમાં રામ લક્ષ્મણથી લઈને અન્નુ મલિક, આનંદ મિલિંદ, આનંદ રાજ આનંદ જેવા તમામ મોટા ગજાના સંગીતકારો સાથે કામ કર્યું હતું.