નિર્ણય@દેશ: એલોન મસ્કનું મોટું એલાન, તમામ Twitter યૂઝર્સ માટે લાગુ કરી આ મર્યાદાઓ

 
Elon Musk

અટલ સમાચાર, ડેસ્ક

ટ્વિટરના માલિક એલોન મસ્કે એક દિવસમાં યુઝર્સ દ્વારા વાંચી શકાય તેવી ટ્વિટ્સની સંખ્યાને લઈને મોટી જાહેરાત કરી હતી. મસ્કએ ટ્વિટ કર્યું કે ડેટા સ્ક્રેપિંગ અને સિસ્ટમ મેનીપ્યુલેશનનો સામનો કરવા માટે અમે આ અસ્થાયી મર્યાદાઓ લાગુ કરી છે. વેરિફાઈડ એકાઉન્ટ્સ ધરાવતા યૂઝર્સ હવે એક દિવસમાં 6000 પોસ્ટ્સ વાંચવા સુધી મર્યાદિત રહેશે. જ્યારે અનવેરિફાઈડ એકાઉન્ટ્સ ધરાવતા યૂઝર્સ દિવસ દરમિયાન ફક્ત 600 પોસ્ટ વાંચી શકશે. જ્યારે નવા અનવેરિફાઈડ એકાઉન્ટધારકો દરરોજ 300 પોસ્ટ્સ વાંચી શકશે.

એલોન મસ્કે આ પહેલા અન્ય એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં વેરિફાઈડ (એકાઉન્ટ્સ) માટે રેટ લિમિટ વધારીને 8000, અનવેરિફાઈડ માટે 800 અને નવા અનવેરિફાઈડ એકાઉન્ટ્સ યૂઝર્સ માટે 400 કરવામાં આવશે. જોકે હવે આ રેટ લિમિટ વધારીને અનુક્રમે 10 હજાર, 1 હજાર અને 500 કરવામાં આવી શકે છે. ઈલોન મસ્કની નવી ટ્વિટ પરથી આ સંકેત મળ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ શનિવારે વિશ્વભરના ઘણા યૂઝર્સે ટ્વિટ કરવા અથવા ફોલો કરવા જેવી પ્રવૃત્તિઓમાં સમસ્યાઓ વિશે ફરિયાદ કરી હતી. ઘણા યુઝર્સે કહ્યું હતું કે તેમને રેટ લિમિટ ઓળંગવા અંગે ચેતવણીઓ જોવા મળી રહી છે. તેનો અર્થ એ છે કે તેમણે ચોક્કસ સમયગાળામાં ટ્વિટ કરવા કે નવા એકાઉન્ટને ફોલો કરવાની સંખ્યા માટે નક્કી સાઈટની મર્યાદાને પાર કરી લીધી હતી.