મનોરંજન@મુંબઇ: 'ધુરંધર' ફિલ્મ સામે વિરોધની ચિનગારી ઊઠી, ફિલ્મ પર પ્રતિબંધની માગ, જાણો વધુ વિગતે

ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા બોલવામાં આવેલા એક સંવાદ પર સમાજે સખત વાંધો ઉઠાવ્યો છે.
 
મનોરંજન@મુંબઇ: 'ધુરંધર' ફિલ્મ સામે ગુજરાતમાં વિરોધની ચિનગારી ઊઠી, ફિલ્મ પર પ્રતિબંધની માગ, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલોચ મકરાણી સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે. ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા બોલવામાં આવેલા એક સંવાદ પર સમાજે સખત વાંધો ઉઠાવ્યો છે. જૂનાગઢ બલોચ મકરાણી સમાજના પ્રમુખ અને એડવોકેટ એજાજ મકરાણીએ આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફિલ્મનાં અભિનેતા, ડાયલોગ રાઇટર અને ડિરેક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી છે. સમાજનું કહેવું છે કે આ પ્રકારના અભદ્ર ડાયલોગ્સથી તેમની સામાજિક લાગણી દુભાઈ છે અને સમાજનું અપમાન થયું છે.

આ ફિલ્મના નિર્માતા જ્યોતિ દેશપાંડે, આદિત્ય ધર અને લોકેશ ધર છે. ફિલ્મમાં રણવીર સિંહ સાથે સંજય દત્ત, અક્ષય ખન્ના, આર માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન અને રાકેશ બેદી મુખ્ય ભૂમિકાઓમાં છે.

પ્રમુખ એજાજ મકરાણીએ જણાવ્યું હતું કે આ ટિપ્પણી સીધી રીતે બલોચ મકરાણી સમાજને નિશાન બનાવીને કરવામાં આવી છે અને એનાથી સમાજની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.

​આ વિરોધના ભાગરૂપે જૂનાગઢ બલોચ મકરાણી સમાજના આગેવાનોએ નિર્ણય લીધો છે કે તેઓ આવતીકાલે જિલ્લાકક્ષાએ આવેદનપત્ર પાઠવશે. સમાજના અગ્રણી એજાજ મકરાણીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આગામી દસ દિવસની અંદર આ મામલે યોગ્ય અને સંતોષકારક કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો બલોચ મકરાણી સમાજ સમગ્ર મામલાને લઈને ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખખડાવશે અને ન્યાય માટે લડત આપશે.

તેમનું માનવું છે કે જો આવા અભદ્ર વર્તન કરનારા કલાકારો, દિગ્દર્શકો અને સ્ક્રિપ્ટ રાઇટરોને રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં અન્ય સમાજોની લાગણીઓ પણ દુભાવવાનું ચાલુ રહેશે, જેનાથી દેશભરમાં સામાજિક તંગદિલી ભર્યું વાતાવરણ ઊભું થઈ શકે છે.

​બલોચ મકરાણી સમાજ મૂળભૂત રીતે બલૂચિસ્તાનના મકરાણ પ્રદેશમાંથી ભારત આવ્યા છે અને આજે ભારતભરના અલગ અલગ વિસ્તારોમાં તેમની વસતિ ઘણી છે. જૂનાગઢ જિલ્લામાં આશરે 25,000થી વધુ અને સમગ્ર ગુજરાતમાં 8 લાખથી વધુ બલોચ મકરાણીઓ વસે છે. ભારતભરમાં તેમની વસતિ દોઢ કરોડથી પણ વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જૂનાગઢ, ભાવનગર, કચ્છ, જામનગર, ગીર સોમનાથ, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત અનેક શહેરોમાં આ સમાજની મોટી વસતિ વસવાટ કરે છે. આટલી મોટી વસતિ ધરાવતા અને શાંતિપૂર્ણ રીતે વસતા સમાજની લાગણીને માત્ર કમાણી માટે દુભાવવામાં આવી હોવાથી સમગ્ર સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

​એડવોકેટ એજાજ મકરાણીએ વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરી એક ચોક્કસ સમાજને જે રીતે ટાર્ગેટ કરવામાં આવ્યો છે એ સખત રીતે વખોડવાલાયક છે. તેમણે વિનંતી કરી છે કે વહેલી તકે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને આવા સંવાદોને ફિલ્મમાંથી તાત્કાલિક દૂર કરવામાં આવે અન્યથા સમાજ પોતાની માન-મર્યાદાના રક્ષણ માટે કોર્ટનાં તમામ પગલાં ભરવા માટે તૈયાર છે.