કાર્યવાહી@મહારાષ્ટ્ર: પાલઘરમાં નકલી જીરૂં બનાવવાનું કારખાનું ઝડપાયું, નીકળ્યું ગુજરાત કનેક્શન

 
cumin

અટલ સમાચાર, ડેસ્ક

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ડુપ્લીકેટ જીરું બનાવવાંનું કારખાનું પકડાયું છે જેનું ગુજરાત સુધીનું કનેક્શન સામે આવ્યું છે. મહારાષ્ટ્રના પોલીસે નકલી જીરું બનાવનારા બે લોકોની અટકાયત કરતા આ મામલે ગુજરાત સુધીનો ખેલ સામે આવ્યો છે. વરિયાળીના ડૂચા અને લાકડાનાં વેરમાંથી ડુપ્લીકેટ જીરું બનાવવામાં આવતું હતુ. જાગ્રુતિ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં બનાવવામાં આવી રહેલા આ બનાવટી જીરાના મુદ્દામાલ સાથે બે લોકોનીં અટક કરી વધુ તપાસ નો દોર શરૂ કરાયો છે. 

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ભિવંડીની શાંતિ નગર પોલીસને માહિતી મળી હતી કે, નકલી જીરું લઈને એક ટેમ્પો નાગાંવ ફાતમા નગર વિસ્તારમાં આવશે. તદનુસાર, છટકું ગોઠવવામાં આવ્યું હતું અને પોલીસે ગુરુવારે ટેમ્પોને અટકાવ્યો હતો, જેમાં રૂ.7.19 લાખની કિંમતનું લગભગ ત્રણ ટન નકલી જીરું હતું. પોલીસે જપ્તી દરમિયાન પાલઘરના રહેવાસી 33 વર્ષીય શાદાબ ખાન અને કાંદિવલીના રહેવાસી 34 વર્ષીય ચેતન ગાંધીની પણ ધરપકડ કરી હતી.

થાણે પોલીસના ઝોન-2 ના ડેપ્યુટી પોલીસ કમિશનર નવનાથ ધવલેએ જણાવ્યું હતું કે આરોપીની પૂછપરછ દરમિયાન, અમને જાણવા મળ્યું કે ચેતન ગાંધી પાલઘર જિલ્લાના મનોર ખાતે સ્થાપિત ફેક્ટરીમાં નકલી જીરું બનાવતા હતા. શુક્રવારે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન સાથે સંયુક્ત રીતે ફેક્ટરી પર દરોડો પાડ્યો, અને 30 લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો. સાધનો સહિત મશીનરી જપ્ત કરવામાં આવી છે. ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે. આ ફેક્ટરી સ્થાનિક અથવા રાજ્ય પ્રશાસનની પરવાનગી વિના સ્થાપવામાં આવી હતી.

આરોપીઓ ગુજરાતમાંથી વરિયાળીના બીજનો કચરો અને લાકડું લાવતા હતા અને તેને રાસાયણિક પાવડરમાં ભેળવતા હતા જેથી તે જીરું જેવું લાગે. જીરુંનો સ્વાદ આવે એ માટે આરોપીઓ અમુક જથ્થામાં અસલી જીરું સાથે ભેળવતા હતા. આ ડુપ્લીકેટ જીરુંનું આ મિશ્રણ બજાર કિંમત કરતા અડધા ભાવમાં વેચવામા આવતું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે આ ડુપ્લીકેટ જીરું ખરીદનારા ગ્રાહકોમાં હાઇવે પરના ઢાબાનો સમાવેશ થાય છે, જ્યાં જીરા-રાઇઝ ખૂબ જ વારંવાર મંગાવવામાં આવતી વાનગી છે, અને નવી મુંબઈના APMC માર્કેટના કેટલાક વિક્રેતાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા કેટલાક નકલી જીરુંને પાણીમાં ભેળવ્યું અને કાળો રંગ ઉતરી ગયો. નમૂનાઓ ઔપચારિક પૃથ્થકરણ માટે કાલિનામાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઊંઝા માર્કેટિંગ યાર્ડ જીરુંનું સૌથી મોટું બજાર છે. ઊંઝામાંથી અગાઉ અનેકવાર ડુપ્લીકેટ જીરું પડકડાઈ ચૂક્યું છે, ત્યારે પકડાયેલા આ બે લોકોની પૂછપરછમાં પણ મોટી બાબતો સામે આવવાની પુરી શક્યતા રહેલી છે.