રિપોર્ટ@દેશ: આજે ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢશે, રોડ- રસ્તા પર ચક્કાજામ કરશે, વિગતે જાણો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ખેડૂતો આંદોલન પર ઉતરી આવ્યા છે. ખેડૂત આંદોલન 2.0નો આજે 14મો દિવસ છે. ખેડૂતો હજુ પણ દિલ્હી આવવાની માંગ સાથે દિલ્હી સરહદ પર અડીખમ છે. ખેડૂતોને દિલ્હી આવતા અટકાવવા પોલીસ અને અર્ધલશ્કરી દળોએ પણ સરહદ સીલ કરી દીધી છે. ભારતીય કિસાન યુનિયન અને અન્ય ખેડૂત સંગઠનો આજે ફરી એકવાર તેમનું શક્તિ પ્રદર્શન કરશે. ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે ચાર તબક્કાની વાટાઘાટો થઈ ચૂકી છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી.
આ આંદોલનમાં અથડામણ દરમિયાન ખેડૂતો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. આ પછી ખેડૂતોએ 29 ફેબ્રુઆરી સુધી તેમની દિલ્હીની કૂચ સ્થગિત કરી દીધી છે. આજે સંયુક્ત કિસાન મોરચાના અનેક સંગઠન ટ્રેક્ટર રેલી કાઢશે. ટ્રેક્ટર રેલીની મદદથી ખેડૂત સંગઠન પોતાનું શક્તિ પ્રદર્શન કરશે. આ સાથે જ ખેડૂત સંગઠન લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી ગેરંટી કાનૂન સહિત પોતાની અન્ય માંગને લઇ હરિયાણા – પંજાબના શંભૂ અને ખનૌરી સરહદ પર WTO નું પુતળું ફૂંકશે.
સંયુક્ત કિસાન મોરચાના કહેવા પર, BKU 26 ફેબ્રુઆરીએ આહ્વાન કરશે. ખેડૂતો હરિદ્વારથી ગાઝીપુર બોર્ડર સુધી ટ્રેક્ટરોની લાંબી લાઇન લગાવશે. ભારતીય કિસાન સંગઠન ઘણા દિવસોથી આ પ્રદર્શનની તૈયારી કરી રહ્યું છે. સાથે જ પોલીસ અને વહીવટીતંત્ર પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ખેડૂતો તેમના ટ્રેક્ટર દિલ્હી-દહેરાદૂન નેશનલ હાઈવે પર દિલ્હી તરફ કૂચ કરશે. ખેડૂત સંગઠનોએ આર – પારની લડાઇની ઘોષણા કરી છે.
ખેડૂત સંગઠનના એક નેતાએ કહ્યું કે, દિલ્હી-દહેરાદૂન નેશનલ હાઈવેની ડાબી બાજુએ એક લેનમાં ટ્રેક્ટર પાર્ક કરવામાં આવશે. ખેડૂતો સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી દિલ્હી-દહેરાદૂન નેશનલ હાઈવે પર ચક્કાજામ કરશે. ખેડૂત આગેવાને કહ્યું કે સરકારે ખેડૂતોને આપેલું વચન તોડ્યું છે. હવે ખેડૂત પણ કટ્ટર લડાઈ લડશે. ટ્રેક્ટર રેલી માટે યુપીના મુઝફ્ફરનગરમાં 8, મેરઠમાં 4 અને ગાઝિયાબાદમાં 4 પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત મુઝફ્ફરનગરથી આંદોલનની શરૂઆત કરશે. આ સાથે તે મેરઠ થઈને ગાઝિયાબાદ પહોંચશે. ખેડૂત આગેવાનોએ અપીલ કરતાં જણાવ્યું હતું કે એક પણ ગામમાં એક પણ ટ્રેક્ટર ન હોવું જોઇએ. તેમણે એમ પણ કહ્યું કે તમામ ટ્રેક્ટર હાઇવે પર દેખાવા જોઈએ.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે તેઓ સોમવારે નેશનલ હાઈવેની એક લેન પર કબજો કરશે. તેમણે કહ્યું કે દિલ્હી અમારાથી દૂર નથી અને અમારા ટ્રેક્ટરની પહોંચમાં છે, ટ્રેક્ટરોને દિલ્હી પહોંચવામાં વધુ સમય લાગશે નહીં. સરકારે ખેડૂતોની વાત સાંભળવી પડશે. અમારી પાસે વિરોધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. આંદોલનને મોટું બનાવવું પડશે. ટિકૈતે કહ્યું કે કાં તો સરકાર સહમત થાય અથવા મોટા આંદોલન માટે તૈયાર રહે.