તહેવાર@દેશ: દિવાળી આધ્યાત્મિક રીતે 'અંધકાર પર પ્રકાશની જીત, જાણો પ્રકાશના આ પર્વનુ મહત્વ અને તેનો ઇતિહાસ

 દિવાળી કારતક મહિનાની અમાસના દિવસે
 
તહેવાર@દેશ: દિવાળી આધ્યાત્મિક રીતે 'અંધકાર પર પ્રકાશની જીત, જાણો પ્રકાશના આ પર્વનુ મહત્વ અને તેનો ઇતિહાસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારતભરમાં દિવાળીના તહેવારની ધૂમધામથી ઉજવણી શરુ થઈ ચુકી છે. આજે 12 નવેમ્બરે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દિવાળી આધ્યાત્મિક રીતે 'અંધકાર પર પ્રકાશની જીત, અનિષ્ટ પર સારાની અને અજ્ઞાનતા પર જ્ઞાન'નું પ્રતીક છે. આ તહેવાર હિન્દુ કેલેન્ડર અનુસાર, કારતક મહિનાની અમાસના દિવસે આવે છે, જે વર્ષની સૌથી કાળી રાત હોય છે. દિવાળીના તહેવારો કુલ પાંચ દિવસ સુધી ચાલે છે, જે ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈ બીજ સાથે સમાપ્ત થાય છે.

ત્યારે આજે આપણે દિવાળીનો ઇતિહાસ અને તેના મહત્વ વિષે જાણીશું.

 દિવાળી કેમ ઉજવીએ છીએ?

દિવાળીના દિવસે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ વિતાવ્યા બાદ અને લંકાના રાજા રાવણને હરાવીને માતા સીતા અને ભગવાન લક્ષ્‍મણ સાથે અયોધ્યા પરત ફર્યા હતા. જોકે, હિંદુઓ દિવાળી ઉજવે છે તેની પાછળ અલગ-અલગ કારણો છે. આ તહેવાર સાથે દેશના સાંસ્કૃતિક વારસાની પણ ઉજવણી થાય છે. અન્ય દેશોમાં વસતા ભારતીયો પણ આ તહેવાર ધામધૂમથી ઉજવે છે. દિવાળીનો તહેવાર વર્ષનો એકમાત્ર એવો સમય છે, જ્યારે બધા પરિવારો ભેગા થાય છે. દિવાળી એ ખરાબ પર સારાની અને અંધકાર પર પ્રકાશની જીતનું પણ પ્રતીક છે. આ તહેવાર દરમિયાન ભગવાન ગણેશ અને માં લક્ષ્‍મીની પૂજા કરવાની પણ પરંપરા છે.

દિવાળીનો તહેવાર હિંદુઓ માટે શુભ સમય છે. મોટાભાગના લોકો દિવાળીના તહેવાર દરમિયાન નવા સાહસો, વ્યવસાયો અને નાણાંકીય વર્ષ શરૂ કરે છે. દિવાળીના તહેવારે લોકો પોતાના ઘરને દીવા, મીણબત્તીઓ અને રંગબેરંગી રોશનીથી શણગારે છે, તેમજ સ્વાદિષ્ટ મીઠાઈઓનો આનંદ માણે છે અને ગિફ્ટ્સની આપ-લે કરે છે. આ ઉપરાંત પેઢીઓથી ચાલતી આવતી ધાર્મિક વિધિઓનું પાલન કરતાં લક્ષ્‍મી પૂજા અને દાન કરે છે.

દિવાળીનો ઈતિહાસ અને મહત્વ

દંતકથાઓ અનુસાર, અયોધ્યાના રાજા ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કર્યા બાદ લંકાના રાજા રાવણને હરાવ્યા બાદ પત્ની સીતા આને ભાઈ લક્ષ્‍મણ સાથે દિવાળીના શુભ અવસરે અયોધ્યા પાછા ફર્યા હતા. તેમના પરત ફરવાની ખુશીમાં અયોધ્યાના લોકોએ અયોધ્યાની ગલીઓ અને દરેક ઘરને દીવાઓ પ્રગટાવીને ઉજવણી કરી હતી. આ પરંપરા આજ સુધી ચાલી રહી છે અને તેને લાઇટ્સ ફેસ્ટિવલ તરીકે ઉજવવામાં આવે છે.

દિવાળી અંધકાર પર પ્રકાશની, ખરાબ પર સારાની અને અજ્ઞાન પર જ્ઞાનની જીત દર્શાવે છે. તે આપણા જીવનમાંથી ખરાબ પડછાયા, નકારાત્મકતા અને શંકાઓને દૂર કરે છે. આ તહેવાર સ્પષ્ટતા અને સકારાત્મકતા સાથે આપણા અંતરને પ્રકાશિત કરવાનો સંદેશ આપે છે. આ દિવસે લોકો માં લક્ષ્‍મી અને ભગવાન ગણેશની પૂજા કરીને અને પ્રિયજનોને ગીફ્ટ્સની આપ-લે કરીને, તેમજ દાન કરીને ઉજવણી કરે છે.

દિવાળી વિશે ઓછા જાણીતા તથ્યો:

1. હિન્દૂ કેલેન્ડર અનુસાર, દિવાળી કારતક મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે.

2. સુવર્ણ મંદિરનો પાયો દિવાળીના દિવસે નાંખવામાં આવ્યો હતો.

3. દિવાળી સમગ્ર વિશ્વમાં જુદા-જુદા નામો સાથે ઓળખાય છે. નેપાળમાં દિવાળી તિહાર ઇર સ્વાંતિ તરીકે ઉજવાય છે. મલેશિયામાં તેને હરિ દિવાળી કહેવાય છે. જયારે થાઈલેન્ડમાં લોકો દિવાળીને લામ ક્રિઓંગ તરીકે ઉજવે છે અને કેળાના પાંદડા પર દીવા પ્રગટાવે છે.

4. દિવાળીની સૌથી મોટી ઉજવણી ભારત સહીત યુનાઇટેડ કિંગડમના લેસ્ટર શહેરમાં થાય છે. અહીં દર વર્ષે હજારો લોકો પ્રકાશ, સંગીત અને નૃત્યની રાત્રિનો આનંદ માણવા ભેગા થાય છે.

5. બંગાળમાં લોકો દિવાળી પર માં કાળીની પૂજા કરે છે. નેપાળમાં લોકો ભગવાન કૃષ્ણની પૂજા કરે છે અને દુષ્ટ રાજા નરકાસુર પર તેમની જીતની ઉજવણી કરે છે.

સુચના:  અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે.