રમત@ક્રિકેટ: પ્રિયાંશ આર્યનું તોફાન: 68 બોલમાં 181 રન ફટકાર્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મંગળવારે એક એવી ઇનિંગ જોવા મળી, જેને ક્રિકેટ જગત લાંબા સમય સુધી યાદ રાખશે. દિલ્હીના કેપ્ટન પ્રિયાંશ આર્યએ તમિલનાડુ સામે એકલા હાથે ધબધબાટી બોલાવી દીધી.
ઇન્દોરના ડેલી કોલેજ ગ્રાઉન્ડ પર તમિલનાડુએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. દિલ્હીની શરૂઆત સારી રહી નહોતી. યશ ધુલ ફક્ત 8 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ક્રિઝ પર આવેલા પ્રિયાંશ આર્યએ તમિલનાડુના બોલરોની કોઈ દયા રાખી નહીં.
*18 બોલમાં ફિફ્ટી, 36 બોલમાં સેન્ચુરી*
પ્રિયાંશે શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી. તેણે ફક્ત 18 બોલમાં અડધી સદી પૂરી કરી. ત્યારબાદ 36 બોલમાં સદી ફટકારીને તેણે તમિલનાડુના બોલરોને હંફાવી દીધા.
સદી બાદ પણ તે અટક્યો નહીં. તેણે એક પછી એક છક્કા ફટકારવાનું ચાલુ રાખ્યું. અંતે તેણે 68 બોલમાં 181 રનની ઐતિહાસિક ઇનિંગ રમી. આ ઇનિંગમાં તેણે 19 છક્કા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 266.18 રહ્યો હતો.
*બે મોટા રેકોર્ડ તોડ્યા*
પ્રિયાંશની આ ઇનિંગથી બે મોટા રેકોર્ડ તૂટ્યા.
પહેલો, તેણે કેએલ રાહુલનો 152_ રનનો ભારતીય રેકોર્ડ તોડીને ભારતીયોમાં સૌથી મોટી T20 ઇનિંગ રમનાર ખેલાડી બન્યો.
બીજો, તેણે ક્રિસ ગેલનો 175_ રનનો 13 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. હવે તે દુનિયાના T20 ઇતિહાસમાં બીજા નંબરનો સૌથી મોટો સ્કોર બનાવનાર ખેલાડી છે. પહેલા નંબરે 188* રન સાથે પ્રિટોરિયસ છે.
*દિલ્હીએ 275 રન ખડક્યા*
પ્રિયાંશની આ તોફાની ઇનિંગના કારણે દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટે 275 રન બનાવ્યા. આ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો ત્રીજો સૌથી મોટો ટીમ સ્કોર છે. દિલ્હી તરફથી પ્રિયાંશ સિવાય કોઈ બેટ્સમેન 30 રન પણ બનાવી શક્યો નહોતો.
19 છક્કા સાથે પ્રિયાંશે એક ઇનિંગમાં સૌથી વધુ છક્કા ફટકારવાના વર્લ્ડ રેકોર્ડની પણ બરાબરી કરી છે.

