કાર્યવાહી@દેશ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ચિન્હને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુપ્રીમ કોર્ટમાં કેટલીક બાબતો પર સુનાવણી હાથ ધરવામાં અઆવતી હોય છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ચિન્હને લઈને બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ માટે શરદ પવારે અરજી કરી છે. NCP બે જૂથોમાં વહેંચાયેલી છે. એક જૂથ અજિત પવારનું છે અને બીજું શરદ પવારનું છે. બંને વચ્ચે પક્ષના મૂળ ચિન્હ ઘડિયાળ મામલે વિવાદ ચાલી રહ્યો છે.
આ મામલે સુપ્રીમ કોર્ટમાં 24 ઓક્ટોબરે સુનાવણી પણ થઈ હતી, જેમાં કોર્ટે અજિત પવારના જૂથને રાહત આપી હતી. કોર્ટે કહ્યું હતું કે અજિત જૂથની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 'ઘડિયાળ' પ્રતીકનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેણે ચૂંટણીના બેનરો અને પોસ્ટરોમાં લખવું પડશે કે તે વિવાદનો વિષય છે અને કોર્ટમાં પેન્ડિંગ છે.
જસ્ટિસ સૂર્યકાન્ત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેંચે અજિત પવારના વકીલને નવી એફિડેવિટ રજુ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ ચેતવણી પણ આપી હતી કે જો આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તે પોતે જ અવમાનનાનો કેસ કરશે.
ખરેખરમાં, શરદ જૂથની અરજીમાં કહેવામાં આવ્યું છે કે અજીત જૂથ કોર્ટના આદેશનું પાલન નથી કરી રહ્યું, તેથી તેને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 'ઘડિયાળ' પ્રતીકનો ઉપયોગ કરવાથી રોકવામાં આવે. ઉપરાંત, અજીત જૂથને નવા પ્રતીક માટે અરજી કરવાના નિર્દેશ આપવામાં આવે.