અપડેટ@ગુજરાત: PM મોદી ડિગ્રી કેસમાં કેજરીવાલને હાઈકોર્ટનો ઝટકો, સ્ટે આપવાનો ઇનકાર

 
Arvind kejriwal

અટલ સમાચાર, ડેસ્ક

અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપવાનો ઈનકાર કર્યો છે. નીચલી કોર્ટમાં કેજરીવાલે હાજર રહેવું પડશે. સાથે જ કોર્ટે કહ્યું કે, તમે જ કોર્ટને બાહેંધરી આપી હતી કે હાજર રહેશો. કોર્ટ બોલાવે ત્યારે તમારે હાજર રહેવું જોઈએ. જ્યારે કેજરીવાલના વકીલ કહ્યું હતું કે, અગાઉ દિલ્લીમાં પૂરની સ્થિતિ હતી માટે હાજર રહી શક્યા ન હતા. ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે, હવે તો દિલ્હીમાં સ્થિતિ સામાન્ય છે. 

અરવિંદ કેજરીવાલના વકીલે અલગ-અલગ કોર્ટના ચુકાદા અને કેસો ટાંકતા હાઈકોર્ટે ટકોર કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, તમે કોર્ટને મૂંઝવવા જોરદાર પ્રયાસો કરી રહ્યાં છો. કેજરીવાલની રજૂઆત હતી કે, મેટ્રો કોર્ટ પર ચાલી રહેલા ટ્રાયલ સામે થોડો સમય સ્ટે આપવામાં આવે. રીવિઝન અરજી પર નિર્ણય આવે ત્યાં સુધી રાહત આપવામાં આવે તેવો અરજીમાં ઉલ્લેખ હતો.

આજે કેજરીવાલની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. આરોપીઓને હાજર થવા માટેના સમન્સને પડકારતી અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી. આજે કેજરીવાલ અને સંજય સિંહને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઇશ્યુ થયુ હતું. PM મોદીની ડિગ્રીના કેસમાં કોર્ટમાં હાજરીથી મુક્તિ માટે કેજરીવાલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આજે હાઈકોર્ટમાં અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી. સેશન્સ કોર્ટે અરજી ફગાવી દેતાં કેજરીવાલે હાઈકોર્ટમાં અરજી કરી હતી.