ઘટના@જૂનાગઢ: ગેસનું રેગ્યુલેટર ચાલું રહી જતાં મકાનમાં બ્લાસ્ટ થયો, 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત

એક ભૂલ અને પરિવારના 4 સભ્યો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

 
ઘટના@જુનાગઢ: મકાનમાં ગેસનું રેગ્યુલેટર ચાલુ રહી બ્લાસ્ટ, 4 લોકો દાઝ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગેસના બાટલા બ્લાસ્ટની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર ગેસના બાટલાની બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જૂનાગઢના ગીરનાર દરવાજા નજીક આવેલા ગણેશ નગરમાં ગતરાત્રિના 10 વાગ્યાની આસપાસ એક મકાનમાં ગેસના બાટલનું રેગ્યુલર ભૂલથી ચાલુ રહી જતા બ્લાસ્ટ થયો હતો. જેથી એક જ પરિવારના4 સભ્યો ગંભીર રીતે દાઝ્યા હતા. કટારીયા પરિવારના સભ્યો જમવાનું પતાવી પોતાના ફળિયામાં બેઠા હતા. જ્યારે પરિવારનો નાનો દીકરો હિતેશ પોતાના રૂમમાં વાંચતો હતો. રસોડામાં એલ્યુમિનિયમના સેક્શન વાળા બારી દરવાજા પણ બંધ હતા. ત્યારે અચાનક જ પરિવારના સભ્યને રસોડામાં કંઈક કામ યાદ આવતા તેઓએ રસોડાનો દરવાજો ખોલી લાઈટ ઓન કરતાની સાથે જ રસોડામાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. એક ભૂલ અને પરિવારના 4 સભ્યો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.


આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસના લોકો પણ આ ધડાકાથી ડરી ગયા હતા. આ ધડાકો થતા કટારીયા પરિવારના 4 સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. પરિવારના સભ્ય કાનજીભાઈ માવજીભાઈ કટારીયા ઉં 56, તેમનો પુત્ર વિજય કાનજી કટારીયા ઉં 37, તેની પત્ની મનીષા કટારીયા ઉં 32 અને તેઓનો 7 વર્ષનો દીકરો દત્ત વિજય કટારીયા આ ગેસનો બાટલો ફાટવાથી ગંભીર રીતે દાઝ્યા હતા. બ્લાસ્ટની ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક તેઓના ઘરે આવી પહોંચ્યા હતા. જે બાદ 108 દ્વારા ચારેય સભ્યોને સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોકટર દ્વારા તમામની સારવાર શરૂ કરવામાં આવી હતી. 7 વર્ષના બાળક તેમજ તેના માતા-પિતાની હાલત વધુ ગંભીર થતાં તેઓને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


ઘરના રસોડામાં રાખેલા ગેસના બાટલાનું રેગ્યુલેટર ભૂલથી ચાલુ રહી ગયું હતું. તેમજ રસોડાના એલ્યુમિનિયમ સેક્શન વાળા બારી દરવાજા પણ બંધ હતા. રેગ્યુલેટર ચાલુ રહી ગયું હોવાથી ગેસ આખા રસોડામાં ફેલાઈ ગયો હતો અને અચાનક જ રસોડાની લાઈટ ઓન કરવા જતા બ્લાસ્ટ થયો હતો. જે બ્લાસ્ટમાં રસોડામાં રાખેલી ચીજ વસ્તુઓ વેર વિખેર થઈ સળગી ઊઠી હતી. તો બીજી તરફ રસોડાની એલ્યુમિનિયમ સેક્શન વાળા બારી દરવાજાના કાચ પણ તૂટી ગયા હતા.


કટારીયા પરિવારના સભ્ય હિતેશ કટારીયા જણાવ્યું હતું કે, આજે રાત્રે 10:00 વાગ્યાની આસપાસ મારા ઘરે રસોડામાં ગેસનો બાટલો ફાટ્યો હતો. રસોડામાં રાખેલા ગેસના બાટલાનું રેગ્યુલેટર ચાલુ રહી ગયું હોવાથી રસોડામાં ધડાકા ભેર બાટલો ફાટ્યો હતો. જેમાં મારા ભાઈ, ભાભી, મારા ભત્રીજા અને મારા પિતાજી ગંભીર રીતે દાજી ગયા છે. જેને સારવાર માટે તાત્કાલિક જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા અને હાલ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા છે.