બનાવ@મધ્યપ્રદેશ: ભીષણ અકસ્માત બાદ ખાનગી બસમાં આગ ફાટી નીકળતા 13 પ્રવાસીઓ જીવતા ભડથુ થઇ ગયા

.ઘણા મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા છે
 
બનાવ@મધ્યપ્રદેશ: ભીષણ અકસ્માત બાદ ખાનગી બસમાં આગ ફાટી નીકળતા 13 પ્રવાસીઓ જીવતા ભડથુ થઇ ગયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર આગ અને અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. આ બધા બનાવોમાં લાખો લોકો મોતને  ભેટે છે. મધ્યપ્રદેશના ગુના નજીક ભીષણ અકસ્માત બાદ ખાનગી બસમાં આગ ફાટી નીકળતા 13 પ્રવાસીઓ જીવતા ભડથુ થઇ ગયા હતા અને અન્ય 17 ઘાયલ થયા હતા. ભાજપના નેતાની માલીકીની સિકરવાર ટ્રાવેલ્સની બસ ડમ્પર સાથે અથડાયા બાદ ઉંધી વળી ગઇ હતી અને આગમાં લપેટાઇ ગઇ હતી.

અકસ્માત એટલો ભયાનક હતો અને આગ એટલી ભયંકર હતી કે બસમાંથી લોકો બહાર પણ નીકળી શકયા ન હતા.

13માંથી 7 લોકોના મૃતદેહો એકબીજા સાથે ચોંટી ગયા હતા. ચહેરા-આખા શરીર સળગી ગયા હોવાથી મુસાફરોની ઓળખ પણ મુશ્કેલ બની હતી.

કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ મૃતકોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. ગુનામાં ડમ્પર અને બસ વચ્ચેની ટક્કર બાદ આ અકસ્માત થયો હતો. શરૂઆતમાં 7 લોકોના મોતના સમાચાર હતા, પરંતુ ધીરે ધીરે મૃતકોની સંખ્યા વધતી ગઈ. કલેકટરે કહ્યું કે, 17 ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને તેઓ સુરક્ષિત છે.

અકસ્માત કેવી રીતે થયો તે અંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ડમ્પર સાથે અથડાયા બાદ બસ પલટી ખાઈને રોડની નીચે પડી ગઈ હતી અને તરત જ આગ લાગી ગઈ હતી. આગ એટલી ભયંકર હતી કે ઘણા મુસાફરો તેનો શિકાર બન્યા હતા અને બળીને ખાખ થઈ ગયા હતા. અકસ્માતમાં ઘાયલ 17 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમની ત્યાં સારવાર ચાલી રહી છે.ઘણા મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા છે, અને તેમના ચહેરા જોઈને તેમની ઓળખ કરવી શક્ય નથી.

અકસ્માત બાદ રાહત કાર્ય પણ ખૂબ જ જટિલ હતું. બસને સીધી કરીને પછી મૃતદેહોને બસમાંથી બહાર કાઢી શકાયા. કલેક્ટરની હાજરીમાં ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા અને મૃતદેહોને પણ લઈ જવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલોને ભોપાલ રિફર કરવામાં આવ્યા છે. આ બસમાં એક ગર્ભવતી મહિલા પણ સામેલ હતી. તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસ ભાજપના એક નેતાની હતી. બસ સિકરવાર ટ્રાવેલ્સના નામે હતી.