ઘટના@દાળીયા: પરિણીતાને પાણી ગરમ કરવાના હીટર દ્વારા વીજ કરંટ લાગતા તેમનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પટેલ પરિવારના આંગણે નણંદ અને દિયરના લગ્ન પ્રસંગનો ધમધમાટ ચાલી રહ્યો હતો તે દરમિયાન સ્નાન કરવા માટે ગયેલા પરિણીતાને પાણી ગરમ કરવાના હીટર દ્વારા વીજ કરંટ લાગતા તેમનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું . લગ્નના ગીતો મરશિયામાં ફેરવાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર દાડિયા ગામે રહેતા ભાવનાબેન હિતેશભાઈ સખીયા (ઉ.વ.47) ના નણંદ અને દિયરના લગ્ન પ્રસંગ લેવાયેલા હતા જેમાં મહેમાનોના કલરવ વચ્ચે સમગ્ર પરિવાર લગ્ન પ્રસંગની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ભાવનાબેન સ્નાન કરવા માટે બાથરૂમમાં ગયા હતા જ્યાં તેમને પાણી ગરમ કરવાના હીટરથી કરંટ લાગતા પળ ભરમાં જ તેમનું મોત નીપજ્યુંં હતું. જેને લઈ લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો. પરંતુ સંસ્કૃતિ મુજબ લગ્ન લેવાઈ ગયેલા હોવાથી દિયરની જાનને પટેલ પરિવારે કાળજા પર પથ્થર મૂકી શાપર રવાના કરી હતી, જ્યારે નણંદની જાન આવતા ટૂંકમાં લગ્ન પ્રસંગ પૂરો કરવા વિધિ કરવામાં આવી હતી.ભાવનાબેન નણંદ અને દિયરના લગ્ન પ્રસંગને લઇ ખૂબ ઘેલા બન્યા હતા પરંતુ તેમનું અકાળે નિધન થતાં પટેલ પરિવાર શોકમગ્ન બન્યો હતો અને એક પુત્ર પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી હતી.