રિપોર્ટ@દેશ: મતદાન દરમિયાન SDMને થપ્પડ મારનાર અપક્ષ ઉમેદવારની પોલીસે ધરપકડ કરી

આ પહેલા ગામમાં થયેલા પથ્થરમારામાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં 10 પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.
 
રિપોર્ટ@દેશ: મતદાન દરમિયાન SDMને થપ્પડ મારનાર અપક્ષ ઉમેદવારની પોલીસે ધરપકડ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. રાજસ્થાનના દેવલી-ઉનિયારામાં મતદાન દરમિયાન SDMને થપ્પડ મારનાર અપક્ષ ઉમેદવાર નરેશ મીણાની પોલીસે ધરપકડ કરી છે. આ ધરપકડ ગુરુવારે બપોરે લગભગ 12 વાગ્યે વિધાનસભાના સમરાવતા ગામમાં થઈ હતી. આ પહેલા બુધવારે રાત્રે ગામમાં થયેલા પથ્થરમારામાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં 10 પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. તોફાનીઓએ સમગ્ર વિસ્તારમાં 60થી વધુ વાહનોને સળગાવી ફુંકી માર્યા હતા.

રાજસ્થાનની દેવલી-ઉનિયારા (ટોંક) વિધાનસભામાં પેટાચૂંટણીના મતદાન દરમિયાન થયેલો હોબાળો આખી રાત ચાલ્યો હતો. વિધાનસભાના સમરાવતા ગામમાં અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ એસડીએમને થપ્પડ મારી હતી. આ પછી મતદાનનો સમય પૂરો થતાં ગ્રામજનોએ મતદાન પાર્ટીઓને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો.

આ પછી પોલીસ અને ગ્રામજનો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. પોલીસે બદમાશોનો સામનો કરવા માટે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ એસપી વિકાસ સાંગવાનની કાર પણ તોડી નાખી હતી. આ દરમિયાન પોલીસે નરેશ મીણાની ધરપકડ કરી હતી. મીણાના સમર્થકોને આ વાતની જાણ થતાં જ તેઓ વધુ રોષે ભરાયા હતા. સેંકડો ગ્રામજનોએ પોલીસકર્મીઓને ઘેરી લીધા હતા. પોલીસે બુધવારે આખી રાત સામરાવતા ગામ અને આસપાસના વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. અત્યાર સુધીમાં 60 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં 50થી વધુ ગ્રામજનો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

આ દરમિયાન રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (RAS) એસોસિએશન હડતાળ પાડી છે. આજે રાજ્યભરમાં અધિકારીઓએ કામકાજ બંધ રાખ્યું છે.

ગ્રામજનોનો આરોપ છે કે પોલીસકર્મીઓએ ગામમાં અનેક વાહનોને આગ ચાંપી અને તેમના બાળકોને ઉઠાવી ગયા. રાતોરાત પોલીસના દરોડાના કારણે 100થી વધુ લોકો ગામ છોડીને ચાલ્યા ગયા હતા. ગુરુવારે સવારે પણ પોલીસ આરોપીઓને શોધી રહી છે.