કાર્યવાહી@દેશ: ખાલિસ્તાની સમર્થક ભાગેડુ અમૃતપાલ સિંહની ધરપકડ, જાણો હવે ક્યાં લઈ જવાશે ?
અટલ સમાચાર, ડેસ્ક
લાંબા સમયથી ફરાર ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહને આજે પકડી લેવામાં આવ્યો છે. અમૃતપાલની પંજાબના મોગા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. અમૃતપાલ પર એનએએ લગાવીને તેને આસામના દિબ્રુગઢની જેલમાં લઈ જવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. પોલીસના જાપતામાં આવતા પહેલા અમૃતપાલ ફરાર થઈ ગયો હતો અને તે પછી તેની મોટાપાયે શોધખોળ કરવામાં આવી હતી. આ પહેલા તેની પત્નીને યુકે જતા રોકવામાં આવી હતી.
સૂત્રો દ્વારા જાણવા મળતી વિગતો પ્રમાણે મોગા જિલ્લાના રોડે ગામમાંથી અમૃતપાલની ધરપકડ કરી લેવામાં આવી છે. 'વારિસ પંજાબ દે'ના પ્રમુખ અને ભાગેડુંને આજે પકડી લેવામાં આવ્યો છે. 18 માર્ચના રોજ અમૃતપાલ જલંધરમાં પોલીસે દરોડા પાડ્યા ત્યારે ભાગવામાં સફળ રહ્યો હતો. આ પછી તેને પકડી પાડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે પોતાનો વેશ અને વાહનો બદલીને પોલીસના હાથમાં આવતા બચવામાં સફળ થયો હતો.
The latest picture of #AmritpalSingh in Punjab Police custody shared with ANI by Official sources pic.twitter.com/z7VB91Na0D
— ANI (@ANI) April 23, 2023
સૂત્રોએ જણાવ્યું હતું કે, અમૃતપાલ સિંહ અને તેના સાગરિતો સામે ઘણા ગુનાહિત કેસ નોંધાયા છે. તેઓ વિવિધ વર્ગો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કામ કરતા હતા, આ સિવાય તેમના પર હત્યા, પોલીસકર્મી પર હુમલો અને સરકારી વહીવટીતંત્રની કામગીરી અને કર્મચારીઓની કામગીરીમાં અડચણરૂપ બનવા સહિતના ગુના નોંધાયેલા છે.