દુર્ઘટના@કેરળ: મિની કૂપર અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેરળમાં કોચીના નેદુમ્બસ્સેરી વિસ્તારમાં આજે મિની કૂપર કારે સ્કૂટર પર સવાર 3 વિદ્યાર્થીઓને ટક્કર મારી દીધી. અકસ્માતમાં ત્રણેયનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ડ્રાઇવરને પકડી લીધો. નજરેજોનાર સલીમના જણાવ્યા મુજબ, ડ્રાઇવરે કહ્યું કે તેના પિતા બધું સંભાળી લેશે.
પોલીસે આરોપી ડ્રાઇવર સુહૈલ સજીવને કસ્ટડીમાં લીધો અને કાર જપ્ત કરી લીધી. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે અકસ્માત સમયે તે દારૂના નશામાં હતો કે નહીં.
મૃતકોની ઓળખ 21 વર્ષીય ઇયાસ, દેવિકા અને ગોપિકા તરીકે થઈ છે. આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.
અકસ્માત સમયે સલીમ ઘટનાસ્થળની નજીક ઊભો હતો. તેણે જણાવ્યું કે ટક્કર એટલી જોરદાર હતી કે આસપાસ હાજર લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા.
સલીમે કહ્યું, “હું નજીકમાં ઊભો હતો, ત્યારે અકસ્માત થયો. જોરદાર અવાજ આવ્યો અને અમે બધા ઘટનાસ્થળે પહોંચ્યા. રસ્તા પર ત્રણ લોકો ઘાયલ હાલતમાં પડ્યા હતા. તેમને મિની કૂપર કારે ટક્કર મારી હતી.”તેમણે જણાવ્યું કે ટક્કર બાદ સ્થાનિક લોકોએ કારને રોકી લીધી હતી. આ દરમિયાન ડ્રાઇવર અને લોકો વચ્ચે વિવાદ પણ થયો હતો.
સલીમના જણાવ્યા મુજબ, ડ્રાઇવર કહી રહ્યો હતો કે તેના પિતા બધું સંભાળી લેશે. ત્યારબાદ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી.નજરેજોનારે જણાવ્યું કે એમ્બ્યુલન્સ પહોંચે ત્યાં સુધી ઘાયલ વિદ્યાર્થીઓ હલનચલન કરી રહ્યા ન હતા.
ઝડપથી આવી રહેલી કારએ સ્કૂટરને પાછળથી ટક્કર મારી
સૂત્રોના જણાવ્યા મુજબ, સુહૈલ સજીવ મિની કૂપર કાર પુરપાટ ઝડપે દોડાવી રહ્યો હતો. કારે સ્કૂટરને પાછળથી ટક્કર મારી હતી.ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂટર પર સવાર ત્રણેય વિદ્યાર્થીઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં.
પોલીસે આરોપી ડ્રાઇવરને કસ્ટડીમાં લીધા બાદ કાર જપ્ત કરી લીધી છે. અકસ્માતના સ્થળે પોલીસ અને એમ્બ્યુલન્સ પણ પહોંચી હતી.પોલીસ આરોપી ડ્રાઇવર દારૂના નશામાં હતો કે નહીં તેની આશંકાની તપાસ કરી રહી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

