રોજગાર@દેશ: મોદી સરકાર આપી રહી છે ઇન્ટર્નશિપ કરવાનો ચાન્સ, જાણો કેટલું મળશે સ્ટાઇપેન્ડ ?

 
Intership

અટલ સમાચાર, ડેસ્ક

હાલનાં જમાનામાં સારી નોકરી અને સેલેરી મેળવવા માટે અને સફળ કારકીર્દી બનાવવા માટે એક યોગ્ય ગ્રેજ્યુએશન કોર્સ ખૂબ મહત્વનો હોય છે. આજકાલ કોઇ પણ વિદ્યાર્થી પોતાની સ્કિલના આધારે તેના માટે યોગ્ય કોર્સ પસંદ કરી શકે તેવા વિકલ્પો સરળતાથી ઉપલબ્ધ છે. જો તમે પણ અંડર ગ્રેજ્યુએશન કોર્સ, પોસ્ટ ગ્રેજ્યુએશનના સ્ટૂડન્ટ અથવા રિસર્ચ સ્કોલર છો, તો કેન્દ્ર સરકાર તમને ઇન્ટર્નશિપ કરવાનો અવસર આપી રહી છે.

વાણિજ્ય મંત્રાલય તરફથી યૂજી-પીજી સ્ટૂડેન્ટ અને રીસર્ચ સ્કોલર્સ માટે એક નોટીફિકેશન જાહેર કરીને ગવર્નમેન્ટ ઇન્ટર્નશિપ ઓફર કરવામાં આવી રહી છે. આ ઇન્ટર્નશિપ માટે 20 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. વાણિજ્ય મંત્રાલય અંતર્ગત ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) તરફથી ઇન્ટર્નશિપ ઓફર કરવામાં આવી રહી છે. મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર આ ઇન્ટર્નશિપ વિદ્યાર્થીઓને એક્સપોઝર આપવાના હેતુસર શરૂ કરવામાં આવી છે. આ સાથે વિદ્યાર્થીઓને ભારત સરકારના વર્ક કલ્ચરને સમજવાની પણ તક મળશે.

20 ઉમેદવારોની કરાશે પસંદગી

કોમર્સ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર ઇન્ટર્નશિપ આખું વર્ષ ખુલ્લી રહેશે અને અરજીઓ ફક્ત ઓનલાઇન મોડ દ્વારા જ સ્વીકારવામાં આવશે. આ ઇન્ટર્નશિપમાં એક સાથે માત્ર 20 ઇન્ટર્નની પસંદગી કરવામાં આવશે. ઇન્ટર્નશિપ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, લો, ઇકોનોમિક્સ, કમ્પ્યુટર અને લાઇબ્રેરી મેનેજમેન્ટ સેક્ટરના હોવા જોઈએ. જો કે અન્ય બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે. વિવિધ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ અંગે કેસ-ટુ-કેસના આધારે ધ્યાનમાં લેવામાં આવશે.

ઇન્ટર્નશિપ અંગે મહત્વની જાણકારી

1. આ ઇન્ટર્નશિપ કરવાનો સમયગાળો ઓછામાં ઓછો એક મહિનો અને વધુમાં વધુ ત્રણ મહિનાનો રહેશે. જો કે વિદ્યાર્થીઓ પોતાની મરજીથી ઇન્ટર્નશિપનો સમયગાળો નક્કી કરી શકે છે.

2. બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર પસંદગી પામેલા ઉમેદવારોને ઇન્ટર્નશિપ દરમિયાન દર મહિને 10,000 રૂપિયાની રકમ ચૂકવવામાં આવશે.

3. આ ઇન્ટર્નશિપમાં ભાગ લેવા માટે તમારે ઓનલાઇન મોડ દ્વારા અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારે dpiit.gov.in લોગ ઈન કરવાનું રહેશે.

4. આ અરજી કરવા માટે ઉમેદવારો પાસે આધાર કાર્ડ, ઓળખ પુરાવા, સરનામાનો પુરાવો, ઉંમરના પુરાવા માટે ધોરણ 10/12ની માર્કશીટ, બેંક વિગતો આવશ્યક હોઈ શકે છે, જેથી તેઓને ખાતામાં જ સીધું સ્ટાઈપેન્ડ મળી શકે. આ દસ્તાવેજો વગર તમે ઇન્ટર્નશિપ માટે અરજી કરવા પાત્ર ગણાશો નહીં.