મર્ડર@દેશ: જયશ્રી રામના નારા બોલવાના વિવાદમાં હિસ્ટ્રીશીટર શખ્સે એક યુવાનની હત્યા કરી નાખતા ખળભળાટ

 બેરહેમીપૂર્વક માર માર્યો હતો
 
મર્ડર@દેશ: જયશ્રી રામના નારા બોલવાના વિવાદમાં હિસ્ટ્રીશીટર શખ્સે એક યુવાનની હત્યા કરી નાખતા ખળભળાટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં અવાર-નવાર મર્ડરના બનાવો સામે આવતા હોય છે. લોકો નાની-નાની વાતમાં એકબીજાને જાનથી મારી નાખતા હોય છે.  અયોધ્યામાં આગામી તા.22મીએ યોજાનારા ભવ્ય અને ઐતિહાસિક રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો દેશભરમાં માહોલ જામી રહ્યો છે તેવા સમયે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં જયશ્રી રામના નારા બોલવાના વિવાદમાં હિસ્ટ્રીશીટર શખ્સે એક યુવાનની હત્યા કરી નાખતા ખળભળાટ સર્જાયો છે.

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ ઉન્નાવના શિવ મંદિરમાં ધાર્મિક અનુષ્ઠાન યોજવા માટે ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે.

ભારતીય કિસાન યુનિયના પૂર્વ મહામંત્રી અને નેતા વિનોદ કશ્યપનો ભાઇ દુર્ગાશંકર સાથીદારો સાથે ઘરે ઘરે ફરીને ફાળો ઉઘરાવી રહ્યા હતા અને સાથોસાથ જયશ્રી રામના નારા પણ લગાવવામાં આવી રહ્યા હતાં.

આ તકે શહેરના કાલે ખાં નામના હિસ્ટ્રીશીટર શખ્સે સાથે વિવાદ થયો હતો જેને પગલે કાલે ખાં તથા તેના સાગ્રીતોએ દુર્ગાશંકરને બેફામ માર માર્યો હતો. આ ઘટનાની જાણ થતાં કિસાન યુનિયના નેતા વિનોદ કશ્યપ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યારે ડિસ્ટ્રીશીટર તથા સાગ્રીતોએ તેને પણ બેરહેમીપૂર્વક માર માર્યો હતો જેમાં તે બેભાન થઇ ગયો હતો.

આ બબાલમાં હિસ્ટ્રીશીટર શખ્સે કેટલાંક રાઉન્ડ ગોળીબાર પણ કર્યા હતા. કુખ્યાત શખ્સના મારથી બેશુધ્ધ વિનોદ કશ્યપને સારવાર માટે હોસ્પીટલે લઇ જવાયા હતા જ્યાં તેમનું મોત નિપજતાં સમગ્ર પંથકમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ બાલુઘાટ પર બે કલાક સુધી હંગામો કર્યો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

આ ઘટનાને પગલે વાતાવરણ તંગ બનતા વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. મૃતક વિનોદ કશ્યપની પત્નીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જો કે તેમાં ફંડફાળા ઉઘરાવવાના વિવાદ વિશે કાંઇ કહેવાયું નથી. પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.