નિર્ણય@દેશ: ઉજ્જવલા યોજના લાભાર્થીઓ માટે સબસિડીવાળા LPG સિલિન્ડરની સંખ્યા હવે માત્ર 4

Ujjwala scheme : જ્યારે યોજનાની શરૂઆતના સમયમાં લાભાર્થીઓને વર્ષમાં 12 સબસિડીવાળા સિલિન્ડર આપવામાં આવતા હતા પણ હવે...
 
Ujjwala scheme
Ujjwala scheme : જ્યારે યોજનાની શરૂઆતના સમયમાં લાભાર્થીઓને વર્ષમાં 12 સબસિડીવાળા સિલિન્ડર આપવામાં આવતા હતા પણ હવે...

Ujjwala scheme : કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મળતી એલપીજી સબસિડી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ હવે ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થી પરિવારોને વર્ષ દરમિયાન માત્ર ચાર સબસિડીવાળા ગેસ સિલિન્ડરનો લાભ મળશે. અગાઉ આ સંખ્યા નવ હતી, જ્યારે યોજનાની શરૂઆતના સમયમાં લાભાર્થીઓને વર્ષમાં 12 સબસિડીવાળા સિલિન્ડર આપવામાં આવતા હતા.

સરકારના આ નિર્ણયથી લાખો પરિવારો પર સીધી અસર થવાની સંભાવના છે. ખાસ કરીને એવા પરિવારો માટે આ ફેરફાર મહત્વનો છે, જે રોજિંદા રસોઈ માટે મુખ્યત્વે એલપીજી ગેસ પર નિર્ભર છે. સરકારે આ નિર્ણય પાછળનું કારણ લાભાર્થીઓના સરેરાશ વાર્ષિક ગેસ વપરાશને ગણાવ્યું છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી, જેના માધ્યમથી આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને મફત એલપીજી કનેક્શન આપવામાં આવ્યા હતા. આ યોજનાનો મુખ્ય હેતુ પરંપરાગત ઇંધણના ઉપયોગમાં ઘટાડો કરીને સ્વચ્છ અને સુરક્ષિત રસોઈ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનો હતો.

સરકારે મે 2022થી ઉજ્જવલા લાભાર્થીઓને સિલિન્ડર દીઠ સબસિડી આપવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ સબસિડીની રકમમાં વધારો પણ કરવામાં આવ્યો હતો. હાલમાં લાભાર્થીઓને મળતી સબસિડી સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જેથી ગેસ સિલિન્ડરની અસરકારક કિંમતમાં રાહત મળે છે.

આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે છેલ્લા કેટલાક મહિનાઓમાં એલપીજી સિલિન્ડરની કિંમતોમાં સતત વધારો નોંધાયો છે. ગેસના ભાવમાં થયેલા વધારાને કારણે ઘરેલુ બજેટ પર વધારાનો બોજ પડ્યો છે. જોકે સરકારનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવ અને વધેલા આયાત ખર્ચ વચ્ચે પણ ભારતના ગ્રાહકોને તુલનાત્મક રીતે ઓછી કિંમતે ગેસ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર પશ્ચિમ એશિયામાં વધેલા ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર પડેલી અસરને કારણે એલપીજીના આયાત ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર આર્થિક દબાણ વધ્યું છે અને તેમને ભારે અંડર-રિકવરીનો સામનો કરવો પડી રહ્યો છે.

સરકારનું માનવું છે કે સબસિડીના ક્વોટામાં કરાયેલ આ ફેરફાર લાંબા ગાળે સબસિડી વ્યવસ્થાને વધુ ટકાઉ બનાવવામાં મદદરૂપ બનશે. જોકે બીજી તરફ ગ્રાહક સંગઠનો અને કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે વધતી મોંઘવારી વચ્ચે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આ નિર્ણય વધારાનો આર્થિક બોજ સાબિત થઈ શકે છે.