હવામાનનો મોટો પલટો! 13 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, પહાડી વિસ્તારોમાં થશે હિમવર્ષા
દેશભરમાં હવામાનનો મિજાજ બદલાવા જઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના પૂર્વાનુમાન મુજબ, 10 નવેમ્બરથી સક્રિય થયેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ઉત્તર અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે. આગામી દિવસોમાં કેટલાક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ તો ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પ્રતિ કલાક 60 કિલોમીટર સુધી પહોંચવાની સંભાવના હોવાથી હવામાન વિભાગે સાવચેતી રાખવા સૂચના આપી છે.
13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદની આગાહી
IMDના જણાવ્યા અનુસાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, કેરળ, ઉત્તરાખંડ, અંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ તથા પુડુચેરીમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીર સહિતના હિમાલયી વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. ખાસ કરીને ઊંચાઈવાળા વિસ્તારોમાં હવામાન ઝડપથી બદલાઈ શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચક્રવાતી પરિભ્રમણની અસર
હવામાનમાં આવી રહેલા ફેરફાર પાછળ મુખ્ય કારણ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. તેની અસર પશ્ચિમી હિમાલય અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી શકે છે. જેના કારણે વરસાદી માહોલ સર્જાવાની સાથે પહાડો પર બરફવર્ષા થઈ શકે છે. આ ઉપરાંત વાયવ્ય રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણના નીચલા સ્તરે ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે. આ સિસ્ટમ પણ સ્થાનિક હવામાનને અસર કરી શકે છે. જોકે, દક્ષિણ ભારતના અન્ય વિસ્તારોમાં હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી. દરમિયાન, હવામાન વિભાગે માછીમારોને 10થી 14 નવેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં દક્ષિણ મ્યાનમારના કિનારાના વિસ્તારો નજીક દરિયો ન ખેડવાની સલાહ આપી છે.
દિલ્હીથી ઉત્તર પ્રદેશ સુધી કેવું રહેશે હવામાન?
રાજધાની દિલ્હીમાં 10થી 12 નવેમ્બર દરમિયાન આકાશ આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે. વહેલી સવારે અનેક વિસ્તારોમાં મધ્યમ ધુમ્મસ જોવા મળી શકે છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 27 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનો અંદાજ છે. ઉત્તર પ્રદેશમાં 10 નવેમ્બરે મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. જોકે, 11 નવેમ્બરે મેરઠ, શામલી, સહારનપુર, વારાણસી અને ગાઝીપુર સહિતના જિલ્લાઓમાં ધુમ્મસ છવાઈ શકે છે. બિહારમાં પણ 10 નવેમ્બરે વરસાદની કોઈ ખાસ ચેતવણી નથી. પશ્ચિમ ચંપારણ, પટના, ગયા અને મુઝફ્ફરપુર સહિતના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની આગાહી છે.
પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલમાં વરસાદી માહોલ
ઉત્તર ભારતના પંજાબ અને પહાડી રાજ્યોમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. પંજાબના કેટલાક વિસ્તારોમાં 12થી 15 નવેમ્બર દરમિયાન વરસાદની શક્યતા છે. ઉત્તરાખંડમાં 10 નવેમ્બરથી શરૂ થયેલો વરસાદી માહોલ 13 નવેમ્બર સુધી યથાવત્ રહી શકે છે. જોકે, અહીં ભારે વરસાદનું જોખમ ઓછું હોવાનું જણાવાયું છે.
હિમાચલ પ્રદેશમાં 10થી 15 નવેમ્બર દરમિયાન વરસાદ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં પણ 10થી 15 નવેમ્બર દરમિયાન વરસાદ અને હિમવર્ષાનો દોર જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારો માટે રેડ અને ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી હોવાનું જણાવાયું છે. આમ, નવેમ્બર મહિનામાં દેશના અનેક ભાગોમાં હવામાનનો મિજાજ બદલાવાની શક્યતા છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં પ્રવાસનું આયોજન કરતા લોકોએ હવામાન વિભાગની તાજી સૂચનાઓ પર નજર રાખવી જરૂરી છે.

