કાર્યવાહી@દેશ: ડ્રગ્સ કેસમાં કુખ્યાત ગેંગસ્ટરને બંદોબસ્ત સાથે સ્પે. NIA કોર્ટમાં રજૂ કરાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ડ્રગ્સ કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને લોખંડી બંદોબસ્ત સાથે સ્પે. NIA કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં એનઆઇએ તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ છેલ્લા કેટલાક વર્ષોથી જેલમાં જ છે પરંતુ તેમ છતાં જેલમાં બેઠા બેઠા તે પાકિસ્તાની અને અફઘાનિસ્તાનના તેના સાથી આરોપીઓ અને નેટવર્કની મદદથી દરિયાઇ રસ્તા મારફતે પાકિસ્તાનથી ગુજરાતમાં ડ્રગ્સ સહિતના માદક દ્રવ્યોના કન્સાઇન્મેન્ટ ઘૂસાડવાની ગુનાહિત પ્રવૃત્તિ આચરી રહ્યો છે, લોરેન્સ લવિન્દર બિશ્નોઇ પાકિસ્તાની નાગરિકો અને વોન્ટેડ આરોપીઓની મદદથી બહુ મોટી માત્રામાં ડ્રગ્સ અને માદક દ્રવ્યોના કન્સાઇન્મેન્ટ પાકિસ્તાનથી ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં ઘૂસાડવાનું બહુ ગંભીર ષડયંત્ર ચલાવી રહ્યો છે સહિતના મુદ્દે તપાસ કરવા રિમાન્ડની જરૂર છે.
ત્યારબાદ કોર્ટે આરોપીને 19મી સુધીના રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો છે.
એનઆઇએએ કુખ્યાત લોરેન્સ બિશ્નોઇના રિમાન્ડ પૂરા થતા 100થી વધુ હથિયારધારી અધિકારીઓ સહિતના કર્મચારીઓ સાથે તેને સ્પે. એનઆઇએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં એનઆઇએએ વધુ પાંચ દિવસના રિમાન્ડની માગણી કરતાં એનઆઇએ તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર મૂકેશ કાપડિયાએ જણાવ્યું હતું કે, લોરેન્સ બિશ્નોઇ એ ખતરનાક ગેંગસ્ટર છે અને તે 2015થી જેલમાં છે. જો કે એક ખૂંખાર ગુનેગાર હોઇ વિદેશ બાબતોના મંત્રાલય દ્વારા તેની વિરુદ્ધ સીઆરપીસીની કલમ-268 લાગુ પાડી હોવાથી સ્પેશિયલ એનઆઇએ કોર્ટે તેના 12મી સપ્ટેમ્બરે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવા છતાં એનઆઇએ આરોપી લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી એ જ દિવસે મેળવી શકી ન હતી અને વિદેશ બાબતોના મંત્રાલય દ્વારા કલમ 268 હટાવ્યા બાદ 14 સપ્ટેમ્બરે આરોપીની કસ્ટડી મેળવી શકાઇ હતી.
તેથી આરોપીની પૂછપરછ અને તપાસ માટે પૂરતો સમય મળ્યો નથી. વળી, પૂછપરછ અને તપાસ દરમિયાન આરોપી રીઢો અને ખૂંખાર હોઇ કેસની તપાસમાં પૂરતો સાથ-સહકાર પણ આપી રહ્યો નથી. આ કેસમાં સાઉથ આફ્રિકન મહિલા, લોરેન્સ બિશ્નોઇ સહિત કુલ 11 આરોપીઓ છે. જેમાં સાઉથ આફ્રિકન મહિલા બોંગાની થન્ડીલે ઉર્ફએ અનિતા, પાકિસ્તાની અબ્દુલ્લા સહિતના ઘણા આરોપીઓ નાસતા ફરે છે અને તેમના વિશે માત્ર લોરેન્સ બિશ્નોઇ જ સાચી હકીકત જણાવી શકે તેમ છે. ખાસ કરીને તેઓની મોડેસ ઓપરેન્ડી વિશે બિશ્નોઇ જ ફોડ પાડી શકે તેમ છે, તેથી તેના વધુ રિમાન્ડ જરૂરી છે.
જો કે, આરોપી તરફે એડવોકેટ ઇલિયાસખાન પઠાણે વકાલતનામું ફાઇલ કર્યું હતું. ત્યારબાદ આરોપી તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીને આ જ મુદ્દે અગાઉ રિમાન્ડ પર સોંપવામાં આવ્યો હતો, અગાઉ તમામ મુદ્દે તપાસ થઇ ચૂકી છે, જે મુદ્દે રિમાન્ડ માગવામાં આવી રહ્યાં છે તે મુદ્દાની તપાસ માટે આરોપીની હાજરી જરૂરી નથી તેથી રિમાન્ડ ન આપવા જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીના 19મી સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.
આ મુદ્દે પણ તપાસ જારી
આ સમગ્ર ડ્રગ્સ નેટવર્કમાં ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા સંડોવાયેલા હોઇ એનઆઇએએ એ દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ડ્રગ્સ નેટવર્કના માધ્યમથી થતી આવકમાંથી લોરેન્સ બિશ્નોઇ આંતકવાદી પ્રવૃત્તિઓ માટે ફંડિંગ કરી રહ્યો હોવાનો પણ ખુલાસો થયો છે, તે આવક ક્યાં વપરાતી હતી?
ગુજરાત એટીએસએ સપ્ટેમ્બર-૨૦૨૨માં જખૌના દરિયામાંથી પાકિસ્તાની ફીશીંગ બોટમાંથી રૂ.૧૯૪.૪૭ કરોડનું ડ્રગ્સનું મોટું કન્સાઇનમેન્ટ ઝડપી પાડ્યું હતું. ડ્રગ્સનો મોટો જથ્થો પંજાબની જેલમાં રહેલા લોરેન્સ બિશ્નોઇએ પાકિસ્તાનથી અબ્દુલ્લા પાસેથી મંગાવ્યો હતો. તો બન્ને કેવી રીતે સંપર્કમાં આવ્યા અને ગુજરાત કેમ પસંદ કર્યું?
બિશ્નોઇ પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસાને આતંકી પ્રવૃત્તિ માટે ફંડિંગ કરતો
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલને હથિયારો અને આંતકવાદી પ્રવૃત્તિ માટે ફંડિંગ આપતો હોવાની ચોંકાવનારી હકીકતનો ખુલાસો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની તપાસમાં ખુલાસો થયો છે. બીજી તરફ આરોપી સાથે અન્ય કોણ કોણ ઇન્ટરનેશનલ ગેંસ્ટર કે અન્ય લોકો સંડોવાયેલા છે તથા કેવી રીતે ત્યાં પૈસા પહોંચાડતો હતો તે મામલે પણ એનઆઇએએ તપાસ શરૂ કરી છે.