દુર્ઘટનાઃ વર્ષના પ્રથમ દિવસે માતા વૈષ્ણોદેવી પરિસરમાં ભાગદોડમાં 12 લોકોનાં મોત, 13 લોકો ઘાયલ થયા

મ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ જણાવ્યું છે કે, ભાગદોડમાં માર્યા ગયેલા લોકોનાં પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

જમ્મુ કાશ્મીરના કટરા ખાતે આવેલા માતા વૈષ્ણોદેવી ભવન ખાતે શનિવારે સવારે થયેલી ભાગદોડમાં 12 લોકોનાં મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. ભાગદોડમાં 13 લોકો ઘાયલ થયાના સમાચાર છે. પોલીસ કંટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે ભાગદોડના સમાચાર મળતાની સાથે જ રાહત અને બચાવ કામગારી શરૂ કરી દેવામાં આવી હતી. કટરા સ્થિત હૉસ્પિટલના બીએમઓ ડૉક્ટર ગોપાલ દત્તે જણાવ્યું કે અમારી પાસે 12 લોકોનાં મૃતદેહ પહોંચી ગયા છે. ભાગદોડ બાદ હાલ યાત્રા પર રોક લગાવી દેવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંઘ નું કહેવું છે કે, કટરા ખાતે આવેલા માતા વૈષ્ણોદેવી પરિસરમાં થયેલી ભાગદોડમાં 12 લોકોનાં મોત થયા છે જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. બનાવ રાત્રે 2:45 વાગ્યે બન્યો હતો. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે અમુક લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદમાં લોકો એકબીજાને ધક્કો મારવા લાગ્યા હતા. પરિણામ એ આવ્યું કે અહીં ભાગદોડ મચી ગઈ હતી.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

કટરા ખાતે ભાગદોડમાં માર્યા ગયેલા લોકો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ જણાવ્યું છે કે, ભાગદોડમાં માર્યા ગયેલા લોકોનાં પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ બનાવમાં ઘાયલ થયેલા લોકોને 2-2 લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી પણ માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા તેમજ ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ બનાવ અંગે નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યુ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરીને તેમને બનાવ અંગે જાણકારી આપી છે. વડાપ્રધાન મોદીએ શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે. આજની ભાગદોડ અંગે તપાસના આદેશ આપી દેવાયા છે. માતા વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં ભાગદોડથી થયેલા મોતથી ખૂબ દુઃખી છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના, ઘાયલ લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.

ઘટના અંગે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ તેમણે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાને ફોન કરીને બનાવ અંગે માહિતી મેળવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, "માતા વૈષ્ણોદેવી ભવન ખાતે થયેલી ભાગદોડમાં લોકોનાં જીવ ગયાના સમાચાર દુઃખી કરનારા છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહા સાથે વાતચીત કરીને સ્થિતિ અંગે માહિતી મેળવી છે."