રાજનીતિ@દિલ્હી: ફરી એકવાર CM કેજરીવાલના ઘરે પહોંચી ક્રાઇમ બ્રાન્ચ, જાણો હવે શું છે કારણ ?

 
Arvind kejriwal

અટલ સમાચાર, ડેસ્ક

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ભારતીય જનતા પાર્ટી પર આમ આદમી પાર્ટીએ તેમના ધારાસભ્યોને ખરીદવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ મામલે ક્રાઇમ બ્રાંચની ટીમ કેજરીવાલને નોટિસ પાઠવવા માટે તેમના ઘરે પહોંચી છે. જણાવી દઈએ કે, ભાજપ પર AAP પાર્ટીના ધારાસભ્યોને ખરીદવાના આરોપ હેઠળ શુક્રવારે સાંજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલઅને શિક્ષણમંત્રી આતિષીના સત્તાવાર નિવાસસ્થાને નોટિસ આપવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી. જો કે, આવાસ પર હાજર અધિકારીઓ નોટિસ લેવા તૈયાર હતા, પરંતુ પોલીસે માત્ર મુખ્યમંત્રીને જ નોટિસ આપવાનું કહ્યું હતું. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ પણ કેજરીવાલ નોટિસ લેવા આવ્યા ન હતા, જેના કારણે પોલીસે કોઇપણ જાતની સૂચના આપ્યા વિના પરત ફરવું પડ્યું હતું. બીજી તરફ, આતિશી ચંદીગઢમાં હોવાને કારણે પોલીસ તેમને પણ નોટિસ આપી શકી ન હતી.સૂત્રોના જણાવ્યા મુજબ, અરવિંદ કેજરીવાલે બીજેપી પર આરોપ લગાવ્યો હતો કે, ભાજપ પાર્ટી તેમના ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરી રહી છે. કેજરીવાલનું કહેવું છે કે તેમના 21 ધારાસભ્યોને તોડવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ માટે તેમના 7 જેટલા ધારાસભ્યો સાથે સંપર્ક પણ કરવામાં આવ્યો છે. આ સાથે કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે, ભાજપે તેમના ધારાસભ્યોને રૂ. 25-25 કરોડ રૂપિયાની ઓફર કરી છે અને તેમને પાર્ટી ટિકિટ આપવા માટે પણ લાલચ આપી છે.