વિરોધ@દેશ: યુથ કોંગ્રેસનો મેટા પર હલ્લો: 3 શહેરોની ઓફિસમાં તોડફોડ, 7 દિવસનું અલ્ટિમેટમ

હૈદરાબાદમાં 21 કાર્યકરો અટકાયતમાં
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચીબ અને નેશનલ ઈન્ચાર્જ મનીષ શર્માના સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ થતાં યુથ કોંગ્રેસે દેશભરમાં મેટા સામે મોરચો માંડ્યો છે. શુક્રવારે હૈદરાબાદ, મુંબઈ અને ગુરુગ્રામ સહિત 3 શહેરોમાં મેટાની ઓફિસમાં કાર્યકરોએ ઘૂસીને હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી.

હૈદરાબાદમાં તેલંગણા યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જક્કીડી શિવા ચરણ રેડ્ડીની આગેવાનીમાં કાર્યકરો મેટાની ઓફિસમાં ઘૂસ્યા હતા. તેઓએ પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને બહાર ફૂલના કુંડા તોડ્યા હતા. આ મામલે પોલીસે 20થી 21 કાર્યકરોની અટકાયત કરી હતી અને 3 કલાક બાદ છોડી મૂક્યા હતા.

મુંબઈમાં બીકેસીમાં મેટા ઓફિસ બહાર યુથ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. આ દરમિયાન કાર્યકરોએ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું પોસ્ટર પણ સળગાવ્યું હતું. યુથ કોંગ્રેસનો આરોપ છે કે, મેટા ભાજપ અને આરએસએસની ટીકા કરતા અવાજોને દબાવી રહી છે.

શનિવારે યુથ કોંગ્રેસે મેટાને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો તમામ વિપક્ષી નેતાઓ, પત્રકારો અને કન્ટેન્ટ ક્રિએટર્સના એકાઉન્ટ પરથી પ્રતિબંધ નહીં હટાવાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપી છે.

બીજી તરફ ભાજપે આ ઘટનાને વખોડી કાઢી છે. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું કે, યુથ કોંગ્રેસના ગુંડાઓએ ઓફિસમાં તોડફોડ કરી છે અને તેને સોશિયલ મીડિયા પર બતાવી રહ્યા છે.