આદેશ@દેશ: લોકસભા ચૂંટણી પહેલા કડક કાર્યવાહી, 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લોકસભાની ચૂંટણીના થોડાજ દિવસો બાકી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરતા 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે જે રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ આપ્યો છે તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ સાથે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાની સૂચના આપવામાં આવી છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને 2016ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન અને 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન પણ સક્રિય ચૂંટણી ફરજોમાંથી દૂર કર્યા હતા.
આ સિવાય ચૂંટણી પંચે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કમિશનર (બીએમસી) ઇકબાલ સિંહ ચહલ અને એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ દૂર કરવામાં આવ્યા છે. મિઝોરમ અને હિમાચલ પ્રદેશના સીએમ ઓફિસમાં રહેલા જીએડી સચિવોને પણ હટાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ચૂંટણી પંચે તમામ રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે તે તમામ અધિકારીઓને બદલી કરે જે ચૂંટણી કાર્ય સાથે જોડાયેલા છે અને એક જિલ્લામાં ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે અથવા તેમના ગૃહ જિલ્લામાં તૈનાત છે.
એએનઆઈના રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર સરકારે કેટલાક મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી કમિશનરોને હટાવવા અંગેના આદેશોનું પાલન કર્યું ન હતું. આ અંગે નારાજગી વ્યક્ત કરતા ચૂંટણી પંચે બીએમસી કમિશનર અને એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરની બદલીના આદેશ આપ્યા છે, જેમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી પંચે તમામ મહાનગરપાલિકાના કમિશનરો અને એડિશનલ કમિશનરો અને ડેપ્યુટી કમિશનરોની પણ બદલી કરવાની સૂચના આપી છે.
લોકસભા ચૂંટણી 2024 માટે તારીખો જાહેર થઇ ગઇ છે. સાત તબક્કામાં દેશમાં લોકસભા ચૂંટણી યોજવામાં આવશે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 લોકસભા સીટો માટે ચૂંટણી થશે. 26 એપ્રિલે બીજા તબક્કામાં 89 લોકસભા સીટો પર મતદાન થશે. 7 મે એ ત્રીજા તબક્કામાં 94 બેઠકો અને 13 મે એ ચોથા તબક્કામાં 96 બેઠકો પર, પાંચમા તબક્કામાં 20 મે લોકસભાની 49 બેઠકો માટે, છઠ્ઠા તબક્કામાં 25 મે 57 બેઠકો માટે અને સાતમા તબક્કામાં 1 જૂને 57 લોકસભા બેઠકો માટે મતદાન યોજાશે. પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે.