નિર્ણય@દેશ: પાકનાં વિદેશમંત્રી બિલાવલની ભારત મુલાકાત વચ્ચે 600 ભારતીય માછીમારોને મુક્ત કરશે પાકિસ્તાન

 
Pakistan

અટલ સમાચાર, ડેસ્ક

શાંધાઈ સહયોગ સંગઠનની વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા આવેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારી ભારત પ્રવાસે છે. આ દરમ્યાન પાકિસ્તાને કહ્યું કે, તે 600 ભારતીય માછીમારોને ગુડવિલ જેસ્ચર પર છોડશે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે, માછીમારોએ સમુદ્રી સીમાનું ઉલ્લંઘન કર્યું હતું. તેને લઈને આ લોકોને કેદમાં રાખવામાં આવ્યા હતા.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 600માંથી 200 માછીમારને 12 મેના રોજ છોડવામાં આવશે અને બાકીના 400 માછીમારોને 14 મેના રોજ છોડવામાં આવશે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે બિલાવલ ભુટ્ટો ગોવામાં બેનોલિમના એસસીઓની વિદેશ મંત્રીઓની મીટિંગમાં શુક્રવારે સામેલ થયા છે. ત્યારે આવા સમયે સકારાત્મક પગલા તરીકે તેને જોવામાં આવી રહ્યું છે.

બિલાવલ છેલ્લા 12 વર્ષમાં હિન્દુસ્તાનની મુલાકાતે આવનારા પ્રથમ પાકિસ્તાની વિદેશ મંત્રી છે. વર્ષ 2011માં પાકિસ્તાનના તત્કાલિન વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે ભારતની મુલાકાત લીધી અને પોતાના તત્કાલિન સમકક્ષ એસએમ કૃષ્ણા સાથે વાતચીત કરી હતી. તત્કાલિન પ્રધાનમંત્રી નવાઝ શરીફ 2014માં પીએમ મોદીના શપથગ્રહણ સમારંભમાં સામેલ થયા હતા. વિદેશમંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને પોતાના સમકક્ષ બિલાવલ ભુટ્ટો-જરદારીની હાજરીમાં એસસીઓની બેઠકમાં કહ્યું કે, કોઈ પણ ભેદભાવ વિના આતંકવાદને તમામ સ્વરુપ અને તેના નાણાકીય પોષણને રોકવા જોઈએ.