ચૂંટણી@દેશ: પત્રિકા વિવાદ મુદ્દે પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા

કમલમમાં પત્રિકા યુદ્ધ કકળાટનું પ્રતિબિંબ
 
ચૂંટણી@દેશ: પત્રિકા વિવાદ મુદ્દે પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા 

અટલ સમાચાર ડોટ કોમ ડેસ્ક 

ચૂંટણીના થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારેય કેટલીક જગ્યાઓ પર વિવાદ જોવા મળી રહ્યો છે.  રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે પ્રથમ વર્ગ વિગ્રહ ઉભો કરવા પ્રયાસ કર્યો એમાં ભાજપને સફળતા ન મળતા હવે પાટીદારોમાં ફૂટ પડાવી રાજકીય રોટલા સેકવાનો હીન પ્રયાસ થઈ રહ્યો છે. પ્રચાર અંતિમ તબક્કામાં છે. રાજકોટના રણમેદાનમાં 18 વરણ એક થયા છે અને ભાજપ સામે સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે લોકોના વિવિધ પ્રશ્નો અંગે ધ્યાન ભટકાવવા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવી. અમે આવી કોઇ પત્રિકા જોઈ નથી. હું 15 દિવસથી પ્રચાર કરી રહ્યો છું. ભાજપ વર્ગ વિગ્રહ કરવામાં પડી છે. તેને મેં અને રાજકોટની જનતાએ નિષ્ફળ બનાવી છે. ફરિયાદમાં 10 મુદ્દા આવરી લેવામાં આવ્યા છે.


વધુમાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અહંકારી રાષ્ટ્રીય નેતૃત્વએ અવસર ન આપ્યો એટલે પેટમાં દુ:ખે ને માથું ફૂટવું એમ ભાજપ દ્વારા જ આ પત્રિકા આપવામાં આવી તેવું પ્રથમ દૃષ્ટિએ લાગી રહ્યું છે. મેં આવી કોઇ પત્રિકા જોઈ નથી. મેં કે મારી પાર્ટીએ આવી કોઈ પત્રિકા છપાવી નથી. સમાજમાં વિભાજન થાય એવો પ્રયાસ કર્યો નથી. મને લાગે છે કે, કાલે રાજકોટમાં મોરબી તાલુકામાં પ્રવાસ કર્યો અને મને પાટીદાર સહિત તમામ સમાજે પ્રચંડ પ્રતિસાદ આપ્યો એ જોઇ ભાજપ ભડકી, હાર સ્વીકારી હોય ત્યારે લોકોનું ધ્યાન ભટકાવવા ખોટી ફરિયાદ કરી હોય તેવું મને લાગે છે.


વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ ભાજપના નારાજ નેતાઓ દ્વારા પોતાનું અંદરૂની મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો હિન્ન પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પેજ પ્રમુખો પાસે નામ ઠામ વગરની પત્રિકા વિતરણ કરાવી છે અને કોંગ્રેસ તેમજ ખોડલધામને બદનામ કરવામાં આવી રહ્યું છે. આ પ્રથમ નથી. વડોદરામાં પણ પત્રિકા યુદ્ધ થયું એટલે મને લાગે છે કે, કમલમ કાર્યાલયમાં પત્રિકા યુદ્ધ કકળાટનું પ્રતિબિંબ છે. આ અંગે યોગ્ય તપાસ થવી ખુબ જ જરૂરી છે. પોલીસે તપાસ સાચી દિશામાં કરવી જોઇએ.