બ્રેકિંગ@દેશ: આજથી સંસદનું ચોમાસુ સત્ર, મણિપુર અંગે PM મોદીનું મોટું નિવેદન

 
Pm Modi

અટલ સમાચાર, ડેસ્ક

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે. આ પહેલા પીએમ મોદીએ મણિપુરની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે 'મારું હૃદય દ્રવી ઉઠ્યું છે,ગુનેગારોને છોડવામાં નહીં આવે. મણિપુરની ઘટના કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક ઘટના છે.

આ અપમાન આખા દેશનું થઈ રહ્યું છે. 140 કરોડ ભારતીયોને નીચું જોવા જેવું થયું છે. હું તમામ મુખ્યમંત્રીઓને કાયદો અને વ્યવસ્થા કડક કરવા કહું છું. માતાઓ અને બહેનોની સુરક્ષા માટે સખત પગલાં ભરો. આ દેશમાં, ભારતના કોઈપણ ખૂણામાં કે કોઈપણ રાજ્ય સરકારમાં, રાજકીય વાદ-વિવાદથી ઉપર, કાયદો અને વ્યવસ્થા અને બહેનોનું સન્માન પ્રાથમિકતા છે. કોઈપણ ગુનેગારને છોડવામાં આવશે નહીં. મણિપુરની દીકરીઓ સાથે જે થયું તે ક્યારેય માફ કરી શકાય નહીં.

નોંધનીય છે કે, મણિપુરમાં ટોળાએ બે મહિલાઓને નગ્ન અવસ્થામાં રસ્તા પર માર મારવાની ઘટના સામે આવી હતી. આ મામલો 4 મે નો છે. રાજધાની ઇમ્ફાલથી લગભગ 35 કિ.મી. દુર કાંગપોકપી જિલ્લાની આ ઘટના છે. તેનો વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. રાજ્યમાં અઢી મહિનાથી વધુ સમયથી હિંસા ચાલી રહી છે.