રાજકારણ@દેશ: મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર એપના પ્રમોટર્સ પાસેથી 508 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો

મહાદેવ બેટિંગ એપ મુદ્દે રાજકારણ ગરમાયું 

 
રાજકારણ@દેશ: મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર એપના પ્રમોટર્સ પાસેથી 508 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહાદેવ બેટિંગ એપ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પહેલા EDએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર એપના પ્રમોટર્સ પાસેથી 508 કરોડ રૂપિયા લેવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો જે બાદ હવે ભાજપ બઘેલ પર લાગેલા ગંભીર આરોપોને લઈને કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ગમાં રેલી બાદ ભાષણ દરમિયાન કહ્યું હતુ કે કોંગ્રેસે સટ્ટાબાજી દ્વારા જનતાના પૈસા લૂંટ્યા છે. તેઓએ મહાદેવના નામે કૌભાંડ કર્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે આવા લોકોએ મહાદેવનું નામ પણ નથી છોડ્યું. બે દિવસ પહેલા જ રાયપુરમાં એક મોટી કાર્યવાહી થઈ હતી. લોકો કહી રહ્યા છે કે આ પૈસા સટોડિયાઓ અને જુગારીઓના છે, જે તેમણે છત્તીસગઢના યુવાનો પાસેથી લૂંટીને એકઠા કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ આ પૈસાથી ઘર ભરી રહ્યા છે.

પીએમ મોદીએ આ મુદ્દે વધુમાં કહ્યું કે મીડિયામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના કનેક્શન ક્યાં જઈ રહ્યા છે તે ખબર નથી. છત્તીસગઢના લોકો પણ આ વાત નથી જાણતા. અહીંની કોંગ્રેસ પાર્ટીની સરકારના મુખ્યમંત્રીએ જણાવવું જોઈએ કે ભ્રષ્ટાચારીઓ સાથે તેમના સંબંધો શું છે. તેમણે કહ્યું કે આ કોંગ્રેસી લોકો દિવસ-રાત મોદીને ગાળો આપે છે, પરંતુ અહીંના મુખ્યમંત્રી હવે દેશની તપાસ એજન્સી અને સુરક્ષા દળો પર બેફામ આરોપો લગાવી રહ્યા છે. ત્યારે મોદી અત્યાચારથી ડરતા નથી. છત્તીસગઢમાં લૂંટફાટ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

કોંગ્રેસ સરકારના રિપોર્ટ કાર્ડમાં કૌભાંડોની કોઈ કમી નથી – PM

પીએમએ અહીં રેલી યોજી હતી જે બાદ ભાષણ આપતા કહ્યું કે કોંગ્રેસ સરકારના રિપોર્ટ કાર્ડમાં કૌભાંડોની કોઈ કમી નથી. અમે જે કહીએ છીએ તે કરવાનો ભાજપનો ટ્રેક રેકોર્ડ છે. છત્તીસગઢ ભાજપ દ્વારા બનાવવામાં આવ્યું છે અને હું ખાતરી આપું છું કે છત્તીસગઢ ભાજપ જ સંભાળશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે એક જ કામ છે, પોતાની તિજોરી ભરવાનું. પરંતુ હવે છત્તીસગઢ ત્રીસ ટાકા સરકારથી છુટકારો મેળવવા માંગે છે.